• શનિવાર, 23 મે, 2026

લખનઉ સામે જીતની સાથે પંજાબને નસીબની પણ જરૂર

 લખનઉ, તા.22: સતત 6 હાર સહન કરનાર ટીમ પંજાબ કિંગ્સને તેની પ્લેઓફ પ્રવેશની ધૂંધળી આશાને જીવંત રાખવા માટે લખનઉ સુપર જાયન્ટસ સામે કરો યા મરોને જંગ ખેલીને હરહાલમાં જીત હાંસલ કરવી પડશે. આ ઉપરાંત શ્રેયસ અય્યરની ટીમને ભાગ્યનો પણ સાથ જરૂરી બની રહેશે. જીતની સાથે પંજાબનું પ્લેઓફમાં પહોંચવાનું રવિવારના બાકીના બે મેચના પરિણામ પર નિર્ભર રહેશે. સવાલ એ છે કે સળંગ 6 હારને લીધે દબાણમાં આવી ગયેલી ટીમ પંજાબ કિંગ્સ શું ચમત્કાર કરી શકશે. તેમના માટે પહેલો લક્ષ્યાંક એલએસજી વિરૂધ્ધ મહાજીત છે. બીજી તરફ પ્લેઓફની બહાર થઇ ચૂકેલી ઋષભ પંતની ટીમ પંજાબના પ્લેઓફ સમીકરણ બગડવા મેદાનમાં ઉતરશે. તેની નજર સીઝનના આખરી મેચમાં પ્રોત્સાહક વિજય પર રહેશે.

પંજાબ કિંગ્સે સીઝનની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી હતી. સતત 7 મેચ સુધી અપરાજિત રહી હતી. આ દરમિયાન વિજયનો છક્કો ફટકાર્યો હતો. 2પ એપ્રિલે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રેકોર્ડ 26પ રનનું લક્ષ્ય હાંસલ કર્યાં બાદથી તેનું અભિયાન નાટકિય ઢબે અટકી ગયું છે. ખિતાબની દાવેદાર ગણાતી પંજાબ કિંગ્સ હવે પ્લેઓફમાં પહોંચવાના બીજી ટીમનો પરિણામ પર લટકી રહી છે. આ પણ ત્યારે શકય બનશે જયારે તે લખનઉ સામે નવાબી જીત મેળવશે. આ બાધા પાર કરવી પણ કઠિન છે.

રવિવારના મેચમાં મુંબઇ સામે રાજસ્થાનનો વિજય થશે તો બધા સમીકરણ સમાપ્ત થશે અને રાજસ્થાન પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બનશે. જો રાજસ્થાનની  હાર થશે અને દિલ્હી સામે કેકેઆરનો વિજય થશે તો મામલો નેટ રન રેટ પર અટકશે. કેકેઆર અને પંજાબમાંથી જેનો સારો રન રેટ હશે તેને પ્લેઓફ રાઉન્ડ નસીબ થશે.

ઇ-પેપરના નવા શુલ્ક