વાહનચાલકો પર સંકટ ઘેરાયું
ડીઝલ
સાથે ફરજિયાત ઓઇલ ખરીદાવતા હોવાની વ્યાપક ફરિયાદ
કાળાબજારી
રોકવા 7/12 અને આધારકાર્ડના આધારે જ ડીઝલ વેચાણ ચાલુ
રાજકોટ,
તા.22 : સૌરાષ્ટ્રભરમાં ડીઝલની અછત દિવસેને દિવસે ગંભીર બની રહી છે. અમરેલી, પોરબંદર,
દેવભૂમિ દ્વારકા સહિત અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપો પર ખેડૂતો અને વાહનચાલકોની લાંબી
કતારો લાગી રહી છે. મર્યાદિત ડીઝલ વિતરણ, કાળાબજારી અને ફરજિયાત ઓઇલ ખરીદાવવાના આક્ષેપોથી
લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ખેતીકામ અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય પર પણ તેની સીધી અસર
જોવા મળી રહી છે. વિવિધ ખેડૂત સંગઠનો અને રાજકીય પક્ષોએ સરકાર સમક્ષ પૂરતું ડીઝલ ઉપલબ્ધ
કરાવવા, વેટમાં ઘટાડો કરવા અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠાવી
છે.
અમરેલી
જિલ્લામાં ડીઝલની અછત ગંભીર બનતા લાઠી સહિત અનેક તાલુકાના પેટ્રોલપંપો પર ટ્રેક્ટર
અને વાહનોની લાંબી લાઇનો લાગી છે. ખેડૂતોને કલાકો પ્રતિક્ષા કરવા છતાં માત્ર હજાર રૂપિયાનું
ડીઝલ મળતા ભારે રોષ ફેલાયો છે. ડીઝલ અને ખાતરની અછતથી ખેતીકામ તથા ટ્રાન્સપોર્ટ વ્યવસાય
પર પણ માઠી અસર પડી રહી છે. ભારતીય કિસાન સંઘે કલેક્ટરને રજૂઆત કરી ખેડૂતોને દર પાંચ
દિવસે 100 લિટર ડીઝલ અને પૂરતું ખાતર આપવા માગ કરી છે. આમ આદમી પાર્ટીએ પણ મુખ્યમંત્રીને
આવેદન પાઠવી ડીઝલનો પૂરતો જથ્થો, વેટમાં ઘટાડો અને કાળાબજારી સામે કડક કાર્યવાહી કરવાની
માગ ઉઠાવી છે.
પોરબંદર
જિલ્લાના કેટલાક પેટ્રોલ પંપ પર ડીઝલ સાથે ફરજિયાત ઓઇલ ખરીદાવવામાં આવતું હોવાના આક્ષેપો
સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ મેરૂભાઈ ઓડેદરાએ ડેપ્યુટી કલેક્ટરને
આવેદન આપી કાર્યવાહી માંગ કરી છે. રાણાવાવ અને કુતિયાણા વિસ્તારમાં ખેડૂતોને લાંબી
કતારોમાં ઉભા રાખી દાદાગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે. પંપ સંચાલકો સામે કડક
કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
દેવભૂમિ
દ્વારકા જિલ્લામાં ડીઝલની તંગી વચ્ચે સંગ્રહાખોરી અને કાળાબજારી રોકવા મામલતદારો સક્રિય
બન્યા છે. ખેડૂતોને હવે માત્ર 200 લિટર ડીઝલ જ આપવામાં આવશે. પેટ્રોલપંપો પર 7/12,
આધારકાર્ડ અને આર.સી. બુકના આધારે જ ડીઝલ મળશે. તંત્ર દ્વારા રજીસ્ટર ચાકિંગ સાથે કડક
કાર્યવાહી હાથ ધરાશે.
જેસર
તાલુકામાં છેલ્લા ચાર દિવસથી ડીઝલની અછત સર્જાતા ખેડૂતો, વાહનચાલકો અને જનતા મુશ્કેલીમાં
મુકાઈ છે. પેટ્રોલ પંપ પર મર્યાદિત ડીઝલ અપાઈ રહ્યું છે. ડીઝલની ગાડી આવતા અફરાતફરી
સર્જાઈ રહી છે. ખરીફ સિઝન દરમિયાન ખેડૂતોને પૂરતું ડીઝલ મળે તેવી લોકો દ્વારા સરકાર સમક્ષ માગ ઉઠી છે.
ગ્રામ્ય
વિસ્તારો માટે અલગ ડીઝલ ક્વોટા જાહેર કરવાની માગ
બોટાદ
જિલ્લામાં ચોમાસા પૂર્વે ડીઝલની અછતને કારણે ખેડૂતો ગંભીર સંકટમાં મુકાયા છે. સરકાર
તરફથી પૂરતો ડીઝલ જથ્થો ઉપલબ્ધ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં
ખેડૂતોને જરૂરી પ્રમાણમાં ડીઝલ મળતું નથી. પરિણામે ખેતીના મહત્ત્વના કામો ખોરવાઈ રહ્યા
છે અને સમયસર વાવણીની તૈયારીઓ અટકી ગઈ છે. અનેક ગામોમાં ટ્રેક્ટર બંધ થઈ જતા ખેડૂતો
ફરીથી બળદ વડે હળ ચલાવી ખેતી કરવાની મજબૂરીમાં આવી ગયા છે, જે આધુનિક ખેતી યુગમાં પરત
ફરવાની સ્થિતિ દર્શાવે છે. પેટ્રોલપંપ પર ડીઝલ માટે લાંબી કતારો જોવા મળી રહી છે છતાં
પૂરતું ઇંધણ મળતું નથી. ડીઝલના વધતા ભાવને કારણે ખેતીનો ખર્ચ પણ બમણો થઈ ગયો છે, જેના
કારણે નાના અને મધ્યમ ખેડૂતો વધુ મુશ્કેલીમાં છે. ચોમાસા નજીક છે ત્યારે ઘણી જગ્યાએ
જમીન તૈયાર કરવાની કામગીરી અધૂરી છે, જેના કારણે વાવણી મોડું પડવાની ભીતિ ઊભી થઈ છે.
ખેડૂતોનો કિંમતી સમય બગડી રહ્યો છે અને તેઓ સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂત
સંગઠનોએ માગ કરી છે કે ગ્રામ્ય વિસ્તારો માટે અલગ ડીઝલ ક્વોટા જાહેર કરવામાં આવે, પુરવઠો
વધારવામાં આવે અને ભાવમાં તાત્કાલિક રાહત આપવામાં આવે જેથી ખેતી કામ સમયસર પૂર્ણ થઈ
શકે.