ઓપરેશન સિંદૂર દરમિયાન છોડાયેલી મિસાઈલ ડીઆરડીઓ અને વાયુસેના માટે લોટરી સાબિત: ભારતે હેક કરી લીધી ચાઈનીઝ પીએલ-15 ઈ મિસાઈલની સિસ્ટમ
નવી
દિલ્હી, તા. 22 : ભારતના રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને ભારતીય વાયુસેનાએ
એક મોટી રણનીતિક સફળતા મેળવી છે. ભારતીય ટીમોએ પંજાબમાંથી બરામદ કરવામાં આવેલી પાકિસ્તાનથી
હવાથી હવામાં વાર કરતી ખતરનાક પીએલ-15ઈ મિસાઈલને ડિકોડ કરી લીધી છે. આ મિસાઈલના મહત્વના
ઈલેકટ્રોનિક સિક્રેટ્સ હવે ભારતને મળી ગયા છે. જેનાથી ભવિષ્યમાં દુશ્મનની મિસાઈલને
હવામાં જ ખતમ કરવી ભારતીય વાયુ સેના માટે સરળ બન્યું છે. આ મિસાઈલને ચીન બનાવે છે અને
પાકિસ્તાન દ્વારા ખરીદી કરવામાં આવે છે.
મે
2025મા ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની વાયુસેનાએ પીએલ15ઈ મિસાઈલ છોડી હતી. જો કે અમુક મિસાઈલ લક્ષ્યો ભેદી શકી નહોતી
અને સેલ્ફ ડિસ્ટ્રક્ટ સિસ્ટમ પણ શરૂ થઈ નહોતી. મિસાઈલ ઈંઘણ પુરૂ કર્યા વિના જ જમીન
ઉપર પડી હતી. જેમાંથી સૌથી સારી હાલતમાં એક મિસાઈલ પંજાબના હોશિયારપુર જીલ્લામાં મળી
આવી હતી. જે ભારતીય એજન્સીઓ અને વૈજ્ઞાનિકો માટે જેકપોટ સાબિત થઈ હતી. એક વર્ષ લાંબી
તપાસ બાદ ભારતે મિસાઈલના કોમ્યુનિકેશન સિસ્ટમને પુરી રીતે ડિકોડ કરી લીધી છે.
એક
રિપોર્ટ અનુસાર ડીઆરડીઓ અને વાયુસેનાની ટીમે મિસાઈલમાં ચીરફાડ કરી હતી. આ દરમિયાન ભારતીય
વૈજ્ઞાનિકોએ મિસાઈલના ઈલેકટ્રોનિક આર્કિટેક્ચરને પુરી રીતે ક્રેક કરી લીધું હતું. આ
ઉપરાંત મિસાઈલમાં લાગેલી ફ્રીકવન્સી અને રડાર એમિશન્સની ઓળખ કરી લીધી છે. આ સાથે જ
મિસાઈલની માહિતી ફ્રન્ટલાઈન સ્ક્વોડ્રનોના ઈલેકટ્રોનિક વોરફેર ડેટામાં ફીડ કરી દેવામાં
આવી છે.