• શનિવાર, 23 મે, 2026

ગેસ, પેટ્રોલ, ડીઝલ, દૂધ પછી હવે દવાનો વારો...

384 આવશ્યક અને જીવનરક્ષક દવાઓનાં ભાવમાં થશે ઈમરજન્સી વધારો!

હંગામી ધોરણે ભાવ વધારા માટે સરકારની તૈયારી

નવી દિલ્હી, તા.22: પશ્ચિમ એશિયામાં ચાલતા યુદ્ધની અસર હવે ભારતમાં દવાઓની કિંમત ઉપર પણ વર્તાઈ શકે છે. કેન્દ્ર સરકાર 384 આવશ્યક અને જીવન રક્ષક દવાઓની કિંમતમાં આપાતકાલીન વધારો કરવાનો વિચાર કરી રહી છે. જો કે આ વધારો હંગામી રહેશે.

દવા ઉદ્યોગનું કહેવું છે કે, પશ્ચિમ એશિયાનાં સંકટ બાદ અનેક રસાયણો અને કાચા માલની કિંમતોમાં 200થી 300 ટકાનો ઉછાળો આવી ગયો છે. આ ઉપરાંત પેકેજિંગ સામગ્રી અને પરિવહન ખર્ચ પણ વધી ગયો છે. સરકારી અધિકારીઓ અને દવા ઉદ્યોગ સંલગ્ન લોકોનાં કહેવા અનુસાર આ મુદ્દે રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણ ઓથોરિટી, ફાર્મા વિભાગ અને વાણિજ્ય મંત્રાલય વચ્ચે ચર્ચા ચાલી રહી છે.

આમાં રાહતની વાત એટલી છે કે, જો દવાઓનાં ભાવમાં આ વધારો કરવામાં આવે તો તે કાયમી નહીં હોય. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સુધરતા આ ભાવવધારાને પાછો ખેંચી લેવામાં આવશે.

જે દવાઓનાં ભાવમાં ઈમરજન્સી વધારો કરવાનો પ્રસ્તાવ છે તેમાં એન્ટીબાયોટિક્સ, હૃદયરોગની દવાઓ, પીડા નિવારક, સ્ટીરોઈડ અને વિટામિન સહિતની આવશ્યક દવાઓનો સમાવેશ થાય છે. ઈરાન-અમેરિકા યુદ્ધનાં કારણે દુનિયામાં ઉભા થયેલા ઊર્જા સંકટનાં કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનાં ભાવ સળગી ગયા છે અને ત્યારબાદ મોંઘવારીની પહેલી અસર દૂધનાં ભાવમાં પણ આવી છે. ત્યારે દૂધ પછી હવે દવાઓ પણ મોંઘી થવાનાં અણસાર મળવા લાગ્યા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક