મેક્સિકોની
નોકઆઉટ રાઉન્ડમાં 40 વર્ષ પછી જીત: ઇક્વાડોરને 2-0થી હાર આપી
એમ્બાપેના
ડબલ ગોલથી ફ્રાંસનો સ્વીડન સામે 3-0થી વિજય
નોર્વેનો
રસાકસી બાદ આઇવરી કોસ્ટ વિરુદ્ધ 2-1થી દિલધડક વિજય
ન્યૂયોર્ક,
તા.1: ફીફા વર્લ્ડ કપ-2026માં ગઇકાલના રાઉન્ડ-32ના મેચોમાં ફ્રાંસ, મેક્સિકો અને નોર્વે
શાનદાર જીત સાથે આગળ વધી છે જ્યારે સ્વીડન, ઇકવાડોર અને આઇવરી કોસ્ટ ટીમ હાર સાથે ફૂટબોલ
વર્લ્ડ કપની બહાર થઇ છે. ફ્રાંસનો સ્વીડન સામે 3-0થી વિજય થયો હતો. જયારે મેક્સિકોએ
ઇક્વાડોરને 2-0થી હાર આપી હતી. નોર્વેનો આઇવરી કોસ્ટ વિરુદ્ધ 2-1થી રોમાંચક વિજય થયો
હતો.
સહયજમાન
ટીમ મેક્સિકોએ 40 વર્ષ પછી ફીફા વર્લ્ડ કપના નોકઆઉટ રાઉન્ડના મેચમાં જીત નોંધાવી હતી.
ઇક્વાડોર સામેની 2-0ની જીત પછી પૂરા મેક્સિકો દેશમાં જીતની ભારે ઉજવણી થઇ હતી અને આ
દરમિયાન ધક્કામુક્કી અને શ્વાસ રૂંધાવાથી બે લોકોના મૃત્યુ થયા હતા. નોકઆઉટ રાઉન્ડમાં
મેક્સિકોએ છેલ્લે 1986માં બલ્ગેરિયા સામે જીત મેળવી હતી. ત્યારે પણ 2-0થી વિજય થયો
હતો.ઇકવાડોર સામેના મેચમાં મેક્સિકો તરફથી જૂલિયન કિવનોનેસે 22મી અને રાઉલ જિમેનેજે
31મી મિનિટે ગોલ કર્યાં હતા. સ્વીડન સામેના મેચમાં ફ્રાંસે શરૂઆતથી વર્ચસ્વ જમાવ્યું
હતું. ફ્રાંસના કપ્તાન અને સ્ટાર સ્ટ્રાઇકર કિલિયન એમ્બાપેએ 4પ અને 74મી મિનિટે ગોલ
કર્યાં હતા. જયારે બ્રેડલી બારકોલાએ પ3મી મિનિટે ગોલ કર્યો હતો. આથી ફ્રાંસનો સ્વીડન
સામે 3-0થી વિજય થયો હતો અને પ્રી. ક્વાર્ટરમાં પ્રવેશ કર્યો હતો.
જ્યાં તેની ટક્કર પરાગ્વે સામે થશે. નોર્વેનો રાઉન્ડ-32ના
મેચમાં આઇવરી કોસ્ટ સામે 2-1થી વિજય થયો હતો. મેચની સમાપ્તિની ઠીક પહેલા 86મી મિનિટે
અર્લિંગ હોલેંડે અદ્ભુત ગોલ કરીને નોર્વેને રોમાંચક જીત અપાવી હતી. પ્રી. ક્વાર્ટરમાં
નોર્વેનો સામનો મજબૂત બ્રાઝિલ સામે થશે.
એમ્બાપેનો
રેકોર્ડ: નોકઆઉટ રાઉન્ડમાં 10 ગોલ
એમ્બાપેના
વર્લ્ડ કપમાં કુલ 18 ગોલ થયા છે અને મેસ્સીથી હવે ફક્ત 1 ગોલ જ પાછળ છે. આ ઉપરાંત તેણે
નોકઆઉટ રાઉન્ડમાં કુલ 10 ગોલનો નવો રેકોર્ડ બનાવ્યો છે. એમ્બાપેએ બ્રાઝિલના મહાન ખેલાડી
લિયોનિદાસના નોકઆઉટ રાઉન્ડના 8 ગોલના રેકોર્ડને પાછળ રાખી દીધો છે. આ રેકોર્ડ 1938માં
બનાવ્યો હતો. બ્રાઝિલના રોનાલ્ડોએ પણ નોકઆઉટ રાઉન્ડમાં 8 ગોલ છે.