નંબર
છુપાવવાની આઝાદી આપતાં યુઝરનેમ ફીચરથી છેતરપિંડી વધવાનાં જોખમ સામે સરકાર સતર્ક
નવી
દિલ્હી, તા. 1 : વોટ્સએપનું નવું યુઝરનેમ ફીચર સરકારની નજરે ચડી ગયું છે. કેન્દ્ર સરકારે
આ ફીચરની તપાસ આદરી છે. અહેવાલો અનુસાર, આ ફીચરથી ઓળખ છુપાવીને સાયબર છેતરપિંડીના અપરાધોનું
જોખમ વધી જાય છે. ‘મેટા’એ વ્હોટ્સએપમાં મોબાઈલ નંબર બતાવ્યા વિના ચેટ કરી શકાય, તેવું
ફીચર લોન્ચ કર્યું હતું, જેમાં લોકો માત્ર યુઝરનેમ મારફતે કોઈ નવી વ્યક્તિ સાથે ચેટ
કરી શકે છે. સરકારની ચિંતા એ છે કે, નંબર છુપાવવાની આઝાદી મળી જશે, તો અપરાધીઓ માટે
કોઈ બીજાનાં નામે બોગસ એકાઉન્ટ બનાવીને લોકોને
છેતરવા સરળ બની જશે.
ભારતમાં
વ્હોટ્સએપના 50 કરોડથી વધારે યુઝર છે. આટલા મોટા યુઝરબેઝની સુરક્ષા અને બોગસ પ્રોફાઈલથી
છેતરપિંડી રોકવા માટે સરકાર નવાં ફીચરને પારખવા માગે છે.
કેન્દ્ર
સરકારે તપાસનો નિર્ણય કરતાં કહ્યું હતું કે, વ્હોટ્સએપનું આ નવું ફીચર સાયબર અપરાધીઓ
માટે નવી સુવિધા તો નહીં બની જાય ને, તે સરકાર સમજવા માગે છે.
તપાસમાં
કોઈ ગંભીર ખામી કે, સુરક્ષાને જોખમાવતી સમસ્યા સામે આવશે, તો વ્હોટ્સએપની સ્વામી કંપની
મેટાને નોટિસ અપાશે.
નવું
ફીચર ટેલિગ્રામ જેવું છે, ટેલિગ્રામ પર પણ બોગસ યુઝરનેમથી છેતરપિંડીના ઘણા કિસ્સાઓ
બાદ કેન્દ્ર સરકાર વધુ સતર્ક બની છે.
ડિજીટલ
સુરક્ષા ઉપર કેન્દ્ર સરકાર સખત
ગડબડ
થાય તો વોટ્સએપ - ટેલીગ્રામ જેવી કંપનીઓ ઉપર એક્શનની ચેતવણી
નવી
દિલ્હી, તા. 1 : દેશભરમાં ડિજીટલનો વધતો વ્યાપ એક તરફ કામને સરળ અને પારદર્શક બનાવવામાં
મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તો બીજી તરફ તેનાથી સાઇબર અપરાધ વધવાનું જોખમ પણ ખૂબ
વધી ગયું છે કારણ કે ભારતમાં સરકારી સેવાઓ, પરીક્ષા અને જનકલ્યાણકારી યોજનાઓ સતત ડિજીટલ
બની રહી છે. આ સ્થિતિમાં હવે કેન્દ્ર સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવ્યું છે
અને સાફ કર્યું છે કે સાઇબર સુરક્ષા
સરકારની સૌથી મોટી પ્રાથમિકતામાંથી એક છે.
અધિકારીઓ
તરફથી ડિજીટલ સિસ્ટમ્સને લઈને વધતી ચિંતાઓ અને નીટ-યુજી બીજી વખત લેવાયેલી પરીક્ષા
દરમિયાન ટેલીગ્રામ એપ ઉપર થયેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા ચેતવણી પણ આપવામા આવી હતી
કે દુનિયાની કોઈપણ ડિજીટલ સિસ્ટમ હંમેશાં માટે 100 ટકા સુરક્ષિત ન બની શકે. ઉલ્લેખનીય
છે કે પરીક્ષા દરમિયાન છેતરપિંડી અને પેપર લીકના ફર્જી દાવા રોકવા સરકારે અમુક સમય
માટે ટેલીગ્રામ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.
જ્યારે
એક મોટું ડિજીટલ માળખું બને છે તો તેમાં તમામ ડેટા એક જગ્યાએ એકત્રિત થાય છે. તેવામાં
સાઇબર હુમલાનું જોખમ પણ વધે છે. આ માટે સુરક્ષાની વ્યવસ્થા સિસ્ટમ બને તેના પહેલા દિવસથી
જ થવી જોઈએ. જેથી નુકસાનથી બચી શકાય. આ ઉપરાંત સરકારે સાફ કહ્યું છે કે, જો કોઈપણ મેસેજિંગ
એપના નવા ફીચરનાં કારણે છેતરપિંડી વધશે તો તેની જવાબદારી કંપનીની રહેશે.