આરોપીએ
પૈસા લઇ માલ સપ્લાય નહિ કરી વિશ્વાસઘાત કર્યો હતો
જામનગર,તા.1:જામનગર દરેડ જી આઈ ડી સી માં બ્રાસપાર્ટની ફેક્ટરી ધરાવતા એક વેપારીએ આશરે 4 કરોડ જેટલી રકમની છેતરાપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાતા પંચકોશી બી ડિવિઝને આરોપીનો કબજો જેલ માંથી મેળવી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ જામનગરમાં દરેડ જી આઈ ડી સીમાં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા નીતીનભાઈ રમેશભાઈ મેનપરાએ જામનગરના આનંદભાઈ લીલાભાઈ મોઢવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીએ ફરિયાદી તથા અન્ય બે વેપારીઓ સાથે વ્યવસાયિક સંબંધો કેળવી વિશ્વાસમાં લીધા હતા. વેપાર દરમિયાન ફરિયાદીના લેણા પેટે બાકી નીકળતા રૂ.2,04,50,723ની રકમ ચૂકવી નહોતી. ઉપરાંત જીતેન્દ્રભાઈ ગાવિંદભાઈ ડોબરિયા પાસેથી બ્રાસ ક્રેપનો માલ આપવા માટે એડવાન્સ પેટે રૂ.25 લાખ લીધા હોવા છતાં માલ સપ્લાય કર્યો નહોતો.આ ઉપરાંત દિનેશભાઈ વેજાણંદભાઈ કનારા પાસેથી વેપારી વ્યવહારોના રૂ.2,14,50,981 બાકી રાખી કુલ રૂ.4,44,01,104ની રકમની નાણાકીય ઉચાપત અને વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપી આનંદ મોઢવાડિયા સામે અગાઉ પણ આવી આર્થીક છેતરાપિંડીની ફરિયાદ નોંધાતા જેલ હવાલે કરવામાં આવ્યો હતો.પોલીસે જેલમાથી આરોપીનો કબજો મેળવી વધુ કોઈ વેપારી સાથે છેતરાપિંડી કરી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.