આરોપીઓ મ્યુલ એકાઉન્ટ સાયબર ઠગોને આપી, બેન્ક ખાતા ધારકને 15 હજાર સુધી ચૂકવતા હતા કમિશન
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.21: ઓપરેશન મ્યુલ હંટ 2.0 અંતર્ગત ચાણસ્મા, ઈટોડા, ખાંભેલ અને પાટણ વિસ્તારના કેટલાક
વચેટિયાઓ સામાન્ય નાગરિકોને કમિશનની લાલચ આપીને તેમના નામે બેંક ખાતાઓ ખોલાવતા હતા.
ત્યારબાદ આ બેંક ખાતાઓનો દુરૂપયોગ સાયબર ગુનેગારોને ભાડે આપીને કરાતો હતો. દેશભરમાં
થતા ઓનલાઈન સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ, ન્યૂડ વીડિયો બ્લેકમેઇલ, ઓનલાઈન સટ્ટાબાજી
જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓમાંથી મેળવાયેલા નાણાંના વ્યવહારો માટે આ મ્યુલ ખાતાનો ઉપયોગ
કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન દેશભરમાં નોંધાયેલા 35 સાયબર ગુના સાથે સંકળાયેલા
11 બેન્ક ખાતામાં રૂ.5,16,37,025ના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. આ ઉપરાંત અન્ય
શંકાસ્પદ ખાતાઓમાં રૂ.1,99,77,870ના વ્યવહારો સાથે કુલ રૂ. 7,16,14,895ના ગેરકાયદે
નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ થયો છે. સમગ્ર કૌભાંડ સામે આવતા ચાણસ્મા પોલીસે વિવિધ
કલમો હેઠળ 33 આરોપી સામે ગુનો નોંધ્યો છે. હાલ 20 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે
આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસ તેજ
કરવામાં આવી છે.