• બુધવાર, 22 જુલાઈ, 2026

થાન રેલવે સ્ટેશનની મહિલા કર્મચારી પાસે એન્જિ. વિભાગના અધિકારીની બિભત્સ માગ

મહિલાએ વિરોધ કરતા નોકરીમાં હેરાન કરી : મહિલા કર્મીના આક્ષેપને પગલે રેલવેએ અધિકારીની બદલી સાથે તપાસ શરૂ કરી

રાજકોટ, તા. 21: થાન રેલવે સ્ટેશનમાં ગેંગવૂમનની ફરજ બજાવતા પરિણીત મહિલા કર્મચારી પાસે એન્જિનિયર વિભાગના અધિકારીએ બિભત્સ માગ કરી હોવાના આક્ષેપ થયા છે. મહિલાએ વિરોધ કરતા અધિકારીએ નોકરીના સમયમા તેને હેરાન કરવાનું શરૂ કર્યું હોવાનું પણ આક્ષેપમાં

જણાવાયું છે.

 મહિલા કર્મચારીએ રાજકોટ રેલવેને કરેલી રજુઆતમા આક્ષેપ કર્યા છે કે, અધિકારી દ્વારા મારી શારીરિક-માનસિક સતામણી કરવામા આવી રહી છે. તેઓ બિનજરૂરી ફોન કોલ, પર્સનલ મેસેજ કરીને સંપર્ક કરતા હતા. વારંવાર વિડીયો કોલમાં જોડાવાનું કહેતા હતા. જ્યારે મેં ઈનકાર કર્યો અથવા જવાબ ન આપ્યો એટલે કાર્યસ્થળ પર માનસિક સતામણી શરૂ કરી. તેઓ જાણીજોઈને મને મુશ્કેલ કામ સોંપતા, બિનજરૂરી ફિલ્ડવર્કમાં મોકલતા અને કામકાજનું વાતાવરણ ખરાબ કરતા.

આ અંગે રેલવેના સૂત્રોએ જણાવ્યું કે, આક્ષેપિત અધિકારીની થાનથી વાંકાનેર બદલી કરી દેવામાં આવી છે, આ ઉપરાંત તેમની સામે આગળની કાર્યવાહી કરવા તપાસ શરૂ કરાઈ છે. વધુમાં રેલવેના મહિલા સેલ દ્વારા પીડિતા ગેંગવૂમન મહિલા કર્મચારી સાથે વાતચીત કરી તપાસ શરૂ કરાશે અને જો અધિકારી જવાબદાર હશે તો તેની સામે કડક પગલાં લેવામા આવશે એવી ખાતરી અપાઈ છે.

બીજી તરફ રેલવેના સૂત્રો એમ પણ કહે છે કે, આક્ષેપિત અધિકારીની થાનથી વાંકાનેર બદલી કેટલાક સમય પહેલા જ કરી દેવાઈ હતી. એ પ્રક્રિયા આ ઘટના સામે લેવાયેલા પગલાંનો ભાગ હોવાની સંભાવના નથી. આ મામલે ડીઆરએમ કક્ષાએથી અંગત રસ લઈને દાખલારૂપ સજા આપવી જોઈએ, જેથી મહિલા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. 

ઇ-પેપરના નવા શુલ્ક