ફૂલછાબ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું
હળવદ, તા.8: હળવદમાં સ્પાની આડમાં
દેહવ્યાપારનો ધંધો ચલાવતો સંચાલક પોલીસના હાથે ઝડપાયો છે. શહેરના રાણેકપર ચોકડી આસપાસ
મસાજ સ્પાની આડમાં ચાલતી ગેરપ્રવૃત્તિ અંગે ‘ફૂલછાબ’ ન્યુઝ પેપર દ્વારા પ્રસિદ્ધ કરવામાં
આવેલા અહેવાલને પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું.
હળવદમાં ચાલતી અસામાજિક પ્રવૃતિઓ
વિષે ફૂલછાબ ન્યુઝ પેપર દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા અહેવાલને પગલે તંત્ર હરકતમાં
આવ્યું છે. હળવદ પોલીસે રાણેકપર ચોકડી પાસે આવેલા વિશ્વાસ આર્કેડ મોલમાં ચાલતા ટુ કેર
લકઝરીયસ સ્પામાં દરોડો પડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, સ્પાના
સંચાલક દ્વારા બહારના જિલ્લા અને રાજ્યમાંથી યુવતીઓને બોલાવીને બોડી મસાજની આડમાં દેહવિક્રયની
પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હતી. આ મામલે સ્પા સંચાલક રોહીતજી દલસંગજી વાઘેલાને ઝડપી
લીધો હતો. જ્યારે સ્પાનો મુખ્ય માલિક વિષ્ણુ પ્રતાપભાઈ ગોહરીયા ફરાર હોય તેને ઝડપી
લેવા પોલીસે તજવીજ શરુ કરી છે. જ્યારે આ સમગ્ર મામલે પોલીસે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન
એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.