• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

કચ્છના ખાવડા પાસે અકસ્માતમાં 7નાં મૃત્યુ

બોલેરો પીકઅપ અને ટેન્કર વચ્ચે મોં ભેર ટક્કર : ઘવાયેલા 25 શ્રમિક ભુજ હોસ્પિટલમાં સારવાર તળે : બોલેરોનો બુકડો બોલી ગયો

ભુજ, તા.9 : સરહદી વિસ્તાર ખાવડા નજીક આજે વહેલી પરોઢે એક કાળજું કંપાવી દેનારી માર્ગ હોનારત સર્જાઈ હતી. કોટડા ચેકપોસ્ટથી આગળ આરઈ પાર્ક તરફ જતા રોડ પર બોલેરો પીકઅપ અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત શ્રમિકોના કરૂણ મોત થયા હતા. બનાવને પગલે શ્રમિકોની ચિસોથી શાંત વાતાવરણ દ્રવી ઉઠયું હતું. આ જીવલેણ બનાવમાં 25 જેટલા અન્ય શ્રમિકોને ગંભીર ઈજાઓ થતાં સમગ્ર જિલ્લામાં અરેરાટી  વ્યાપી ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં ઉત્તરપ્રદેશના બિરેશ જગદેવ પાસવાન (ઉ.વ.22) દેશરાજ સુજલામ પાસવાન (ઉ.વ.48), સંદીપકુમાર દોલીરામ પાસવાન, કુલદીપકુમાર રામકુમાર પાસવાન (ઉ.વ.31) બિહારના અનુપ ચેતરામ પાસવાન (ઉ.વ.24), કૈલાશ રામધન મંડલ (ઉ.વ.46) તથા અનિલ રામપાલ પાસવાન નામના શ્રમિકોએ પોતાના જીવ ખોયા હતા.

 આ બનાવ અંગે પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ આજે તા.9/10ના 3:30ના અરસામાં સાત લોકોને ભરખી જનાર આ ગોજારો અકસ્માત સર્જાયો હતો. કાંગડા ચેકપોસ્ટથી ત્રણ કિ.મી. આગળ આરઈ પાર્ક તરફ જતા રોડ પર વળાંક પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. બોલેરો પીકઅપ નં.જીજે-12-સીટી-4894માં 32 જેટલા શ્રમિકો સવાર થઈને જઈ રહ્યાં હતાં. જ્યારે સામેથી ટેન્કર નં.જીજે-39-ટી-6545 વાળું યમદુત બનીને ધસમસતું આવી રહ્યું હતું. આ બન્ને વાહનોની ટક્કર બાદ બોલેરોના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો અને આગળ બેઠેલા શ્રમિકો દબાઈ ગયા હતા. તેમજ પાછળના લોકો ફંગોળાઈને  ઝાડીમાં પડયા હતા. તે પૈકીના અનેક મજુરો ગાડી નીચે દબાઈ જતાં ચિસાચિસથી શાંત વાતાવરણ દ્રવી ઉઠયું હતું. આ ગોજારા અકસ્માતની જાણ થતાં ત્રણ કિલોમિટર દુર ચેકપોસ્ટ પર હાજર રહેલા પોલીસ કર્મીઓ તથા ખાવડા પીઆઈ એમ.બી. ચાવડા તાબડતોબ બનાવવાળી જગ્યાએ દોડી આવ્યા હતા.       

અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા દોડધામ આદરી હતી. પોલીસે તાત્કાલિક  ક્રેન બોલાવી ઉંધા વળી ગયેલા વાહનોને સીધા કરાવ્યા હતા તથા એમ્બ્યુલન્સ, ખાનગી વાહનોમાં ઘવાયેલાઓને સારવાર અર્થે મોકલી 

આપ્યા હતા. જોરદાર ટક્કરના કારણે બોલેરોમાં આગળ બેઠેલા પૈકીના લગભગ તમામના મોત થયાં હતાં. આ મૃતકોને બહાર કાઢી તેમને પણ હોસ્પિટલ લઈ જવાયા હતા.  પોલીસે સતર્કતા વાપરી તાબડતોબ બનાવ વાળી જગયાએ પહોંચી રેસ્કયુ હાથ ધરાતાં મરણ આંક વધતાં અટકી ગયો હોવાનું ખાવડા પી.આઈ. એમ. બી. ચાવડાએ જણાવ્યું હતું.

બનાવની જાણ થતાં જિલ્લા કલેકટર અનીલ રાણાવાસિયા તથા પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા જી.કે. જનરલ હોસ્પિટલમાં દોડી ગયા હતા અને બનાવથી અવગત થઈ ઘવાયેલાઓની સારવાર અર્થે હોસ્પિટલ સ્ટાફને સુચનો કર્યા હતાં  આ ગોઝારા અકસ્માતને પગલે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ઘાયલોથી ઉભરાઈ હતી. અકાળે સાત શ્રમિકોના મોતને પગલે અરેરાટી સાથે ચકચારી પ્રસરી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક