• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

રાષ્ટ્રપતિને રાવ

સીઈસી જ્ઞાનેશ કુમારને હટાવવા સહિતનાં ચૂંટણીપંચનાં મુદ્દાઓ લઈને રાહુલની આગેવાનીમાં 10 વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યાં

રાહુલે કહ્યું, રાષ્ટ્રપતિએ વોટચોરીના પુરાવા માગ્યા: મમતાએ માગ્યો રાષ્ટ્રપતિનો હસ્તક્ષેપ

સઘન સુરક્ષા વચ્ચે વિજય ચોક ઉપર અટકાવી દેવામાં આવેલા વિપક્ષી   સાંસદોનાં ધરણાં

નવીદિલ્હી,તા.9: મતદાર યાદીનાં વિશેષ ગહન સુધારણા(સર) કાર્યક્રમમાં કથિત ગડબડ અને ગેરરીતિનાં મુદ્દે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનનાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં આજે ફરી એકવાર દિલ્હીમાં રાજકીય અને સુરક્ષાદળોની દોડધામ ચાલું રહી હતી. આજે સેન્ટ્રલ હોલમાં વિપક્ષી દળોનાં નેતાઓની બેઠક બાદ સાંજે જ્ઞાનેશ કુમારનાં રાજીનામા, સરની કામગીરી અટકાવવા અને યાદીમાંથી હટાવવામાં આવેલા મતદારોને પાછા જોડવા સહિતની માગણીઓ સાથે ઈન્ડિયા ગઠબંધને રાષ્ટ્રપતિ ભવન તરફ લોકતંત્ર બચાવો કૂચ કરી હતી. રાષ્ટ્રપતિએ 10 વિપક્ષી સાંસદોને જ રાતે 8 કલાકે મુલાકાતનો સમય આપ્યો હોવાથી અન્ય સાંસદોને વિજય ચોક ઉપર સુરક્ષાદળોએ અટકાવી દીધા હતાં અને પછી ત્યાંથી રાહુલ ગાંધીની આગેવાનીમાં 10 સાંસદોએ રાષ્ટ્રપતિને મળીને આવેદન સોપ્યું હતું.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે મુલાકાત અને આવેદન સોંપ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ સાથે મુલાકાતમાં તેઓ હેરાન હતા કારણ કે વોટ ચોરી અંગે વાત કરવામાં આવી તો રાષ્ટ્રપતિએ તેનો ઈનકાર કર્યો નહોતો. રાષ્ટ્રપતિએ એવું નથી કીધું કે ભારતમાં વોટ ચોરી નથી થઈ રહી. તેમણે પુરાવા માગ્યા છે. હવે રાષ્ટ્રપતિ સમક્ષ તમામ પુરાવા લઈને તેઓ જશે. પુરો દેશ જાણે છે કે વોટ ચોરી થાય છે. મોદી-શાહ લોકતંત્ર તબાહ કરી રહ્યા છે અને જ્ઞાનેશ કુમાર વોટ ચોરી કરાવી રહ્યા છે.

મમતા બેનરજીએ આવેદન પાઠવ્યા બાદ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ પુરાવા આપવા કહ્યું છે. રાષ્ટ્રપતિ સમક્ષ વોટ ચોરી મુદ્દે હસ્તક્ષેપની માગણી કરવામાં આવી હતી. તેમણે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને (જુઓ પાનું 10)

જનતાનો અવાજ સાંભળ્યો છે.

બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, તમામ વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ સામે પોતાની વાત રજૂ કરી હતી અને વોટ ચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. વધુમાં ફરીથી ચૂંટણી કરાવવા, ઈવીએમ હટાવીને બેલેટ પેપર લાવવા માગણી કરાઈ હતી. રાષ્ટ્રપતિએ આ મુદ્દે પુરાવા માગ્યા છે.

રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલા સાંજથી જ સેન્ટ્રલ હોલમાં વિપક્ષી સાંસદોનો જમાવડો થવા લાગ્યો હતો. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનરજી સહિતનાં નેતાઓ ત્યાં એકત્ર થયા હતાં. અહીં જ્ઞાનેશ કુમારને હટાવવા અને સર વિશે પોતાની ચિંતાઓ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાનાં મુદ્દે ચર્ચા કરીને રણનીતિ ઘડવામાં આવી હતી.

રાષ્ટ્રપતિએ વિપક્ષી સાંસદોને રાતે 8 વાગ્યાનો સમય આપ્યો હોવાથી તે પહેલા જ તમામ સાંસદોએ રાષ્ટ્રપતિ ભવન તરફ જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી કરતાં બેનર સાથે કૂચ કરી હતી. સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આગળ વધતાં વિપક્ષી નેતાઓને વિજય ચોક ખાતે રોકી લેવામાં આવ્યા ત્યારે કેન્દ્રની મોદી સરકાર અને ચૂંટણી પંચ વિરુદ્ધ જોરદાર નારાબાજી થઈ હતી અને સુરક્ષાદળો સાથે ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ત્યાંથી આગળ ફક્ત એ 10 સાંસદોને જ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવાં માટે જવા દેવામાં આવ્યા હતાં જેમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મુલાકાતનો સમય આપેલો હતો. જેને પગલે બાકીનાં સાંસદો અને નેતાઓએ વિજય ચોકમાં જ ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધા હતાં. રાષ્ટ્રપતિ ભવન તરફ જતા રાયસીના હિલ્સ વિસ્તારમાં સઘન સુરક્ષા ઘેરો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓએ દુનિયાનાં સૌથી મોટા લોકતંત્રમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની આઝાદી પણ ન હોય તો આને અઘોષિત કટોકટી અને તાનાશાહી ચાલતી હોવાનો આરોપ  લગાવ્યો હતો. વિપક્ષનાં રાજ્યસભા અને લોકસભાનાં મળીને તમામ 300 સાંસદો રાષ્ટ્રપતિને મળવા માગતા હતાં પણ ફક્ત 10 લોકોને જ મળવાની અનુમતિ આપવામાં આવી હોવા સામે પણ રોષ ઠાલવવામાં આવ્યો હતો.

રાષ્ટ્રપતિને મળવા પહોંચેલા નેતાઓમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મનોજ ઝા, ઓમર અબ્દુલ્લા, મમતા બેનરજી, ડી.રાજા, ટી.તિરુમાવલમ, એમએ બેબી, રાજીવ રાય અને સુપ્રીયા સુલેનો સમાવેશ થતો હતો.

આ પહેલા સેન્ટ્રલ હોલમાં ઈન્ડિયા મોરચાનાં નેતાઓની બેઠકમાં રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને સરકાર ઉપર આક્રમણને વધુ તીવ્ર બનાવતાં કહ્યું હતું કે, ફક્ત જ્ઞાનેશ કુમારનાં રાજીનામાથી વાત અટકવાની નથી, વોટ ચોરી કરનાર મોદી સરકારને પણ બરખાસ્ત કરવી પડશે. સેન્ટ્રલ હોલમાં રાહુલ ગાંધીએ જવાહરલાલા નહેરુનાં ભાષણને પણ યાદ કર્યુ હતું અને કહ્યું હતું એ મશહૂર ભાષણ 14 ઓગસ્ટ 1947નાં રોજ સંસદનાં સેન્ટ્રલ હોલમાં જ આપવામાં આવ્યું હતું. તેનાં એક હિસ્સામાં કહેવાયું હતું કે, આ ભારત આખા એશિયા અને દુનિયા માટે મહત્વની પળ છે. પૂર્વમાં આઝાદીનો એક નવો સિતારો ઉગી રહ્યો છે. એક નવી આશા જાગી છે. આ સિતારો ક્યારેય અસ્ત ન થવો જોઈએ અને આશા પણ તૂટવી ન જોઈએ.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક