(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા. 8: પંજાબના અમૃતસરમાં
સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુ ઉર્ફે મધુસૂદન સંધુની હત્યા કેસમાં અમદાવાદ
ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે. હત્યા બાદ પંજાબથી ફરાર થયેલા આરોપી પરામિંદર
કાકા ઉર્ફે પરામિંદર પ્રસાદને વાડજ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, 3 ઓક્ટોબર
2026ના રોજ મેડ સંધુ પર ફાયારિંગ કરવામાં આવ્યું હતું. આરોપી પરામિંદર કાકા આ કેસમાં
કથિત મુખ્ય શૂટર હોવાનું સામે આવ્યું છે. તેણે હત્યા માટે બાઈકની વ્યવસ્થા કરી હોવાની
પણ પોલીસને માહિતી મળી છે.
અમૃતસરના લોહારકા રોડ પર મેડ
સંધુ પોતાની કાર વાશિંગમાં આપીને બહાર રાહ જોઈ રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ
તેના પર નજીકથી ચારથી પાંચ રાઉન્ડ ફાયારિંગ કર્યું હતું. ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા
સંધુનું હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. ઘટના બાદ વિદેશમાં રહેલા ગોલ્ડી ધિલ્લોન
ઉર્ફે ગોલ્ડી બ્રારે સોશિયલ મીડિયા મારફતે હત્યાની જવાબદારી સ્વીકારી હોવાનો દાવો છે.
મેડ સંધુ મેકઅપ આર્ટિસ્ટ, ફેશન ડિઝાઈનર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર ઉપરાંત સમલૈંગિક
અધિકારો માટે પણ કાર્યરત હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ
સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો છે. હાલ તેની પૂછપરછમાં
કથિત ષડયંત્ર અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ ચાલી રહી છે. આરોપીને અમૃતસર પોલીસને
સોંપવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.