• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

પેટાચૂંટણી : બંગાળમાં ભાજપ, તમિલનાડુમાં ટીવીકેનો જલવો

નંદીગ્રામ, રેજીનગર બેઠક ઉપર ભાજપની ઐતિહાસિક જીત : આસામની નગાંવ લોકસભા સીટ પણ ભાજપે કબજે કરી : તમિલનાડુની બન્ને સીટ ટીવીકેને મળી

નવી દિલ્હી, તા. 9 :  ચાર રાજ્યની પાંચ વિધાનસભા અને એક લોકસભા સીટ ઉપર થયેલી પેટા ચૂંટણીના પરિણામમાં ભાજપને સારા સમાચાર મળ્યા હતા. સૌથી ચર્ચિત એવી પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર સીટ ઉપર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી. જ્યારે આસામની નગાંવ લોકસભા સીટ ઉપર પણ ભાજપના દેવાશીષ શર્માએ જીત મેળવી હતી. તમિલનાડુની ધારાપુરમ અને મદુરંતકમ સીટ ઉપર ટીવીકેના ઉમેદવારોએ કબજો કર્યો હતો. આ ઉપરાંત પુડ્ડુચેરીની થટ્ટનચાવડી વિધાનસભા સીટ ઉપર એઆઈએનઆરસીના અશોક આનંદે કોંગ્રેસના ઈ વિનયગમને હરાવ્યા હતા.

ગત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક બહુમત મેળવનારી ભારતીય જનતા પાર્ટીએ સીએમ શુભેન્દુ અધિકારી દ્વારા છોડવામાં આવેલી નંદીગ્રામ સીટ ઉપર ફરીથી કબજો કર્યો હતો. જ્યારે રેજીનગર વિધાનસભા સીટ ઉપર પણ લોકોએ સીએમ શુભેન્દુ ઉપર ભરોસો વ્યક્ત કર્યો હતો.  રેજીનગર સીટમાં ભાજપના શંખરાવ સરકારને 1,29,914 મત મળ્યા હતા અને મમતા બેનરજીના પક્ષને માત્ર 3847 મત મળ્યા હતા. નંદીગ્રામ સીટ ઉપર ભાજપ ઉમેદવાર હસીરાની રથે 1.22 લાખથી પણ વધારે મતથી રેકોર્ડ જીત નોંધાવી હતી. તેમને 1.64 લાખ મત મળ્યા હતા. હસીરાની રથ શુભેન્દુના પીએ દિવંગત ચંદ્રનાથ રથના માતા છે.

બીજી તરફ મે મહિનામાં તમિલનાડુમાં દ્રવિડ રાજનીતિ કરતી પાર્ટીઓને પાછળ રાખનારા સીએમ વિજયની પાર્ટી ટીવીકેએ પેટાચૂંટણીમાં પણ દમદાર પ્રદર્શન જાળવી રાખ્યું હતું અને ધારાપુરમ તેમજ મુદરાંતિકમ સીટ કબજે કરી હતી. પાંચમી સીટ પુડ્ડુચેરીની છે જ્યારે એનડીએ સહયોગી ઓલ ઈન્ડિયા એન આર કોંગ્રેસે જીત મેળવી હતી. જ્યારે આસામમાં નૌગાંવ લોકસભા સીટ ઉપર ભાજપના દેવાશીષ શર્માએ નોંધપાત્ર જીત નોંધાવી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક