• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

સુરતથી ચારધામ યાત્રાએ ગયેલા એક પરિવારના 3 સભ્યના મૃત્યુ

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ઈનોવા કાર ઊંડી ખીણમાં ખાબકીને નદીમાં પડી; પતિ, પત્ની અને પુત્રીનું મૃત્યુ, પુત્ર ગંભીર રીતે ઘાયલ

સુરત, તા.5 : સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને ઉત્તરકાશીમાં ફરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ગંગોત્રી નેશનલ હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ નીપજતા ચકચાર મચી જવા પામી છે જ્યારે અન્ય લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આજે તેઓ ઈનોવા કારમાં ગંગોત્રી નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ઊંડી ખીણમાં થઈ નદીમાં ખાબકી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કતારગામમાં આવેલી શિવાલિક રેસિડેન્સીમાં રહેતા અને વકીલાત કરતા અશોકભાઈ પટેલ, પત્ની, બે સંતાનો અને અન્ય ત્રણ સંબંધી સાથે ગત 31 ઓક્ટોબરે સુરતથી ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. દરમિયાન તેઓ આજે ઈનોવ કારમાં કેદારનાથ જવા માટે નીકળ્યા હતા, ત્યારે ગંગોત્રી નેશનલ હાઈવે પાસેથી પસાર થતી વેળાએ અચાનક કાર ઉંડી ખીણમાં ખાબકી હતી. સર્જાયેલા અકસ્માતમાં અશોકભાઈ પટેલ, તેમના પત્ની સુધાબેન પટેલ અને પુત્રી રૂતિકા પટેલનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પુત્ર વેદાંતને ગંભીર ઈજા પહોંચી હોય તેની સારવાર ચાલી રહી છે. સુરતના બે લોકો, એક ડ્રાઈવર અને એક સુરેન્દ્રનગરના વ્યક્તિ સહિત કુલ ચાર લોકોનાં મૃત્યુ થયાં છે.

વધુમાં જાણવા મળ્યું કે અકસ્માતમાં ભોગ બનેલા અશોકભાઈ પટેલ વકીલાત કરતા હતા. જ્યારે પુત્રી રૂતિકાએ બીસીએ સુધીનો અભ્યાસ કર્યો હતો અને સરકારી નોકરી માટે તૈયારી કરતી હતી. પુત્ર વેદાંત 12 સાયન્સમાં અભ્યાસ કરી રહ્યો છે.  

ઇ-પેપરના નવા શુલ્ક