• શુક્રવાર, 06 નવેમ્બર, 2026

ગોંડલ યાર્ડમાં મરચાની મબલક આવક વચ્ચે હરરાજી

જે ખેડૂતોને કપાત અંગે વિરોધ નહોતો તેમણે હરરાજીમાં ભાગ લીધો

ગોંડલ, તા.5 : ગોંડલ માર્કાટિંગ યાર્ડમાં મરચાની હરરાજીમાં બારદાનનાં પાંચસો ગ્રામ કપાતનાં મુદ્દે ખેડૂતોએ વિરોધ કરી મરચાની હરરાજી છેલ્લા આઠ દિવસથી અટકાવી હતી પરંતુ કેટલાક ખેડૂતોએ કપાતનો સ્વિકાર કરી પોતાનાં મરચાની હરરાજી કરી હતી. બીજી બાજુ કપાતનો વિરોધ દર્શાવી અન્ય ખેડૂતો મરચાની હરરાજીથી દુર રહ્યા હતા. આમ મરચા માટે પ્રખ્યાત ગોંડલ યાર્ડમાં બારદાન કપાતનો મુદ્દો અદ્ધરતાલ રહેવા પામ્યો છે.

કપાત અંગે યાર્ડનાં ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા કોઇ નક્કર નિર્ણય લાવી શકયા નથી. તો આપનાં જીગીશા પટેલનો વિરોધ પણ કોઇ અસર બતાવી શકયો નથી. યોગ્ય સમય મર્યાદામાં ખેડૂતો પોતાનાં મરચાનું વેંચાણ કરી શક્યા ના હોય ખેડૂતો માટે વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે. જોકે યાર્ડમાં આવતીકાલ તા.6થી 13 દરમિયાન દીપાવલીની રજા હોઈ મરચાની હરરાજી એક દિવસ પુરતી સિમિત રહી હતી. દરમિયાન આજે મરચાની 500 બોરીની આવક થવા પામી હતી. અને હરરાજીમાં 20 કિલોગ્રામનાં રૂ.3000થી રૂ.5900 સુધીનાં ભાવ બોલાયાં હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક