ગેરરીતિ કરનારા લાભાર્થીઓના રાશનકાર્ડ નોન-એનએફએસએ કેટેગરીમાં ફેરવાશે
પોરબંદર,
તા.5 ઃ પોરબંદર જિલ્લામાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સરકાર
દ્વારા વિતરણ કરવામાં આવતા સસ્તા અનાજના જથ્થાના ગેરકાયદે વેચાણનો મામલો સામે આવ્યો
છે. કેટલાક રાશનકાર્ડધારકો સરકાર તરફથી મળતું અનાજ પોતાના ઉપયોગમાં લેવાને બદલે બજારમાં
વેચી રહ્યા હોવાનું જિલ્લા પુરવઠા તંત્રના ધ્યાનમાં આવ્યું છે.
જિલ્લા પુરવઠા અધિકારી
જ્યોતિ આર. ગોહેલે આ અંગે જણાવ્યું હતું કે, કેટલાક લાભાર્થીઓ રેશાનિંગમાં મળતા અનાજનું રિક્ષા મારફતે પણ
ગેરકાયદે વેચાણ કરી રહ્યા છે. આવી પ્રવૃત્તિ સરકારની યોજનાના હેતુ વિરુદ્ધ હોવાથી તંત્ર
દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું કે,
ભવિષ્યમાં આવી ગેરરીતિ પકડાશે તો સંબંધિત
લાભાર્થીઓના એનએફએસએ રાશનકાર્ડને નોન-એનએફએસએ કેટેગરીમાં રૂપાંતરિત કરવાની કાર્યવાહી
કરાશે. ઉપરાંત સરકારી લાભોની વસૂલાત કરી એનએફએસએ હેઠળ મળતા લાભો પણ બંધ કરવામાં આવશે.
અધિકારીએ પાત્રતા ન ધરાવતા કાર્ડધારકોને સ્વૈચ્છિક રીતે મામલતદાર કચેરીનો સંપર્ક કરી
કાર્ડની કેટેગરી બદલાવવા અપીલ કરી છે. સાથે જ આગામી સમયમાં સીબીડીસી યોજનાનો અમલ થનાર
હોવાથી રાશનકાર્ડનું વ્હાઇટ લિસ્ટિંગ અને ઓનબોર્ડિંગ કરાવવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તમામ લાભાર્થીઓએ પોતાની રેશાનિંગ દુકાન, ગામના વીસીઈ અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરી જરૂરી પ્રક્રિયા
સમયસર પૂર્ણ કરાવવા અનુરોધ કરાયો છે.