• મંગળવાર, 23 એપ્રિલ, 2024

CSKને ફટકો: IPL પૂર્વે ઓલરાઉન્ડર શિવમ દુબેને ઇજા

રણજી ટ્રોફીની બાકીની સિઝનમાંથી બહાર

 

મુંબઇ, તા.21: ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સને આઇપીએલ પૂર્વે મોટો ફટકો પડયો છે કારણ કે ટીમનો યુવા ઓલરાઉન્ડર શિવમ દુબે ઇજાને લીધે રણજી ટ્રોફીની બાકીની સીઝન માટે મુંબઇની ટીમની બહાર થઇ ગયો છે. શિવમ દુબે હાલ શાનદાર ફોર્મમાં છે. મુંબઇ તરફથી રમતા આસામ સામેના મેચમાં તેણે 121 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ મેચમાં જ તેને ઇજા થઇ હતી. રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં તેણે પ મેચમાં બે સદીથી 407 રન કર્યાં છે અને 12 વિકેટ પણ લીધી છે. આ ઇજાને લીધે તે મુંબઇ તરફથી વડોદરા સામેનો કવાર્ટર ફાઇનલ મેચ રમી શકશે નહીં.

સાઇડ સ્ટ્રેન ઇન્જરીને લીધે શિવમ દુબેનું આઇપીએલમાં રમવું પણ શંકાસ્પદ બન્યું છે. ઇજામાંથી બહાર આવવા તે બેંગ્લોર સ્થિત એનસીએ જશે. આઇપીએલ 22 માર્ચથી શરૂ થશે. શિવમ આઇપીએલના પહેલા રાઉન્ડના મેચ ગુમાવી શકે છે. જે સીએસકે માટે ચિંતાનો વિષય છે કારણ કે ટીમનો જાડેજા પછીનો સ્ટાર ઓલરાઉન્ડર છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક