કુકી ઉગ્રવાદીઓનો ગોળીબાર, CRPFની જવાબી કાર્યવાહી,એક જવાનને ઈજા
ઈમ્ફાલ,
તા. 11 : મણિપુરમાં સુરક્ષાદળોએ સોમવારે એક મોટી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 11 હથિયારધારી
કુકી ઉગ્રવાદીઓને ઠાર કર્યા છે. આ કુકી ઉગ્રવાદીઓ જિરીબામ જીલ્લાના બોરોબેકરામાં એક
પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરવા પહોંચ્યા હતા. સોમવારે બપોરે કુકી ઉગ્રવાદીઓએ બોરોબેકરા
સ્થિત સીઆરપીએફ કેમ્પ ઉપર હુમલો કરી દીધો હતો. સીઆરપીએફએ પણ જવાબી કાર્યવાહી કરી હતી
અને અથડામણમાં 11 કુકી ઉગ્રવાદી ઠાર થયા હતા જ્યારે સીઆરપીએફના એક જવાનને ગંભીર ઈજા
પહોંચી હતી.
માર્યા
ગયેલા કુકી ઉગ્રવાદીઓ પાસેથી ચાર એસએલઆર, ત્રણ એકે-47, એક આરપીજી સહિત અન્ય હથિયાર
અને દારૂગોળો બરામદ કરવામાં આવ્યો છે. કુકી-હમાર સમુદાયનાં સશત્ર ઉગ્રવાદીઓએ અમુક ઘરોને
આગના હવાલે કરી દીધા હતા અને જિરીબામમાં પોલીસ સ્ટેશન ઉપર હુમલો કરતા ગોળીબાર કર્યો
હતો. આ હુમલા બાદ સીઆરપીએફ દ્વારા જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી.
એક
સંબંધિત ઘટનામાં બોરોબેકરા પોલીસ સ્ટેશન હેઠળ આવતા જકુરાધોરમાં મૈતેઈ સમુદાયના ત્રણથી
ચાર ખાલી ઘરને અજ્ઞાત શખસોએ આગ ચાંપી દીધી હતી. ઉલ્લેખનીય છે કે સીઆરપીએફ, આસામ રાઇફલ્સ
અને મણિપુર પોલીસના જવાનોને બોરોબેકરા પોલીસ સ્ટેશનમાં તૈનાત કરવામાં આવ્યા છે. જ્યાં
એક રાહત શિબિર પણ છે. સૂત્રો અનુસાર હુમલાખોરો રાહત શિબિરને નિશાન બનાવવાની ફિરાકમાં
હતા.