દેશના ભાગલા પાડનાર તાકાતોને નિષ્ફળ બનાવવી પડશે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં વર્ચ્યુઅલ જોડાયા
વડતાલ,
તા.11 : સ્વામીનારાયણ સંપ્રદાયની રાજધાની તીર્થરાજ વડતાલધામ ખાતે ઉજવાઈ રહેલા લક્ષ્મીનારાયણ
દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં ભારત સરકારે શુદ્ધ ચાંદીના 200 રૂપિયાનો સિક્કો વડતાલ મંદિરની
પ્રતિકૃતિ સાથે બહાર પાડયો હતો. જેનું મહારાજ રાકેશ પ્રસાદજીએ આજે રાજકીય મહાનુભાવો
અને સંતોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું તેમજ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમારોહમાં
વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.
પીએમ
મોદીએ કહ્યું કે આ મારા જેવા દરેક વ્યક્તિ માટે જે વડતાલ ધામમાં આસ્થા સાથે જોડાયા
છે. તે મોટો અવસર છે. હું માનું છું કે, અમારા માટે અવસર ભારતીય સંસ્કૃતિના શાશ્વત
પ્રવાહોનું પ્રમાણ છે. આજે પણ અહીં ભગવાન સ્વામીનારાયણની શિક્ષા, ઊર્જા અનુભવ કરી શકીએ
છીએ. હું દરેક સંતોના ચરણોમાં પ્રણામ કરીને અને દરેક દેશવાસીઓને દ્વિશતાબ્દી મહોત્સવની
શુભેચ્છા આપું છું.
વધુમાં
કહ્યું કે, સ્વામીનારાયણની પરંપરા રહી છે કે, સેવા વગર તેમનું કોઈ કામ આગળ હોતું નથી.
આજે લોકો પણ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મેં છેલ્લાં કેટલાક દિવસોમાં
ટીવી પર આ સમારોહની તસવીરો જોઈ અને મીડિયા-સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને મારો આનંદ
અનેકગણો વધી ગયો છે. મને આનંદ છે કે, ભારત સરકારે આ અવસરે 200 રૂપિયાનો ચાંદીનો એક
સિક્કો અને સ્મારક ટપાલ ટિકિટ જાહેર કરી છે. આ પ્રતીક ચિહ્ન આવનારી પેઢીઓનાં મનમાં
આ મહાન અવસરની સ્મૃતિની જીવંત કરતા રહેશે. ભગવાન સ્વામીનારાયણ સાથે જોડાયેલો દરેક વ્યક્તિ
જાણે છે કે, આ પરંપરા સાથે મારો સંબંધ કેટલો જૂનો છે. મારી ઈચ્છા તો ઘણી હતી તમારી
સાથે જૂની વાતો કરું અને બેસું પણ જવાબદારી અને વ્યસ્તતાને લીધે આ સંભવ ના થયું. હું
હૃદયથી તમારી વચ્ચે જ છું. મારું મન અત્યારે સંપૂર્ણ રીતે વડતાલ ધામમાં જ છે. વડતાલ ધામ આજે આ જ પ્રેરણાથી માનવતાની સેવા અને
યુગ નિર્માણનું અધિષ્ઠાન બની ચૂક્યું છે. વડતાલ ધામે આપણને વંચિત સમાજથી સગરામજી જેવા
ભક્તો દીધા છે. આજે દેશના ભાગલા પાડવાનું કાવતરુ ચાલી રહ્યું છે. એવી તાકાતો છે જે
દેશના ભાગલા પાડવામાં લાગેલી છે. આપણે આવી તાકાતોને ઓળખવી પડશે. આવી તાકાતોનેને આપણે
એકસાથે મળીને નિષ્ફળ બનાવવી પડશે. આપણા દેશના યુવાનોને કૌશલયુક્ત બનાવવા પડશે. આજકાલ
હું દુનિયાના જે નેતાઓને મળું છું તેમની ઇચ્છા રહે છે કે દેશના સ્કિલ્ડ યુવા તેમની
સાથે કામ કરે. આજે દુનિયા ભારતના યુવાનોની પ્રતિભાથી પરિચિત છે. આપણા યુવા રાષ્ટ્રનાં
નિર્માણમાં ખૂબ જ મદદગાર બનશે.
આ પ્રસંગે
મુખ્ય કોઠારી સંતવલ્લભ સ્વામીએ રાજીપો વ્યક્ત કરતાં આ ક્ષણને વધાવી હતી અને જણાવ્યું
કે, સ્વામીનારાયણ વડતાલ સંસ્થા જ્યારે 200 વર્ષની ઉજવણી કરી રહ્યું છે તેની જાણ અમે
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કરી હતી. તેમના વિવિધ વિભાગો દ્વારા એક ઐતિહાસિક સ્મૃતિરૂપ
શું થઈ શકે તેની શોધ કરતાં અમારા વડીલો દ્વારા એવો નિર્ણય કર્યો કે, શુદ્ધ ચાંદીનો
200 રૂપિયાનો સિક્કો બનાવડાવવામાં આવે. આ સિક્કામાં એક બાજુ ભારતની રાજ મુદ્રા અને
બીજી બાજુ વડતાલ મંદિરની પ્રતિકૃતિ છે. આનાથી સત્સંગીઓ ગૌરવ અનુભવે છે.