• ગુરુવાર, 14 નવેમ્બર, 2024

એક દાયકામાં માર્ગ અકસ્માતોમાં 15 લાખ લોકોના જીવ કચડાયા

કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયનાં બિહામણા આંકડા : એક દાયકામાં વાહનો બમણા થયા

નવી દિલ્હી, તા.12: કોઈ દિવસ એવો ગુજરતો નથી જેમાં દેશમાં કોઈ મોટી માર્ગ દુર્ઘટના બની ન હોય! માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુનાં નવા આંકડાઓ દેશમાં બનતી દુર્ઘટનાઓ જેટલા જ ભયાનક છે. આંકડો એટલો વિકરાળ છે કે, તે કેન્દ્ર શાસિત પ્રદેશ ચંદીગઢની વસ્તી કરતાં પણ વધુ છે. દેશમાં માર્ગ દુર્ઘટનાઓમાં દર 10 હજાર કિ.મી. ઉપર 2પ0 લોકોની જિંદગી છીનવાઈ છે. 2014થી 2023 વચ્ચે એક દાયકામાં માર્ગ અકસ્માતમાં 15.3 લાખ લોકોનાં મૃત્યુ નીપજ્યા હતાં. અમેરિકા, ચીન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ આંકડા અનુક્રમે પ7, 119 અને 11 છે. જે દેખાડે છે કે ભારતનાં આંકડા બેહદ ખતરનાક છે.

માર્ગ અકસ્માતોમાં થતાં મૃત્યુ ઘટાડવા માટે સરકાર તરફથી અનેકવાર પ્રતિબદ્ધતા દેખાડવામાં આવે છે અને આવા મોત રોકવા માટે સુપ્રીમ કોર્ટે પણ હસ્તક્ષેપ કરેલો છે. જો કે કેન્દ્રીય સડક પરિવહન મંત્રાલયનાં આંકડાઓમાં ચિત્ર સુધરતું હોય તેવું દેખાયું નથી.

એક દાયકો, 2004-13માં માર્ગ અકસ્માતમાં 12.1 લાખ લોકોનાં જીવ ગયા હતાં. આ દરમિયાન દેશમાં નોંધાયેલા વાહનોની સંખ્યા પણ બમણી થઈ છે. 2012માં 1પ.9 કરોડ નોંધાયેલા વાહનોની સંખ્યા બમણી થઈને 2024માં આશરે 38.3 કરોડ થઈ ગયા છે. સડકોની લંબાઈ 2012માં 48.6 લાખ કિ.મી.થી વધીને 2019માં 63.3 લાખ કિ.મી. થઈ ગયો છે. જો કે નિષ્ણાતોનાં કહેવા અનુસાર માર્ગોની લંબાઈ અને વાહનોની સંખ્યામાં વધારો અધિક મૃત્યુનું કારણ હોઈ ન શકે.

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક