• ગુરુવાર, 05 ડિસેમ્બર, 2024

રણજીતગઢ ગામે દારૂડિયા પતિએ કરી પત્નીની હત્યા

રાત્રીના સમયે લાકડીથી ફટકારી : હત્યારો પતિ પોલીસ સકંજામાં : નશાની હાલતમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ

જસદણ, તા.3: જસદણ તાલુકાના ભાડલા પોલીસ મથક હેઠળના રણજીતગઢ ગામે વાડીએ નશાખોર પતિએ પત્નીને લાકડીથી બેફામ ફટકારી તેમજ તેણીએ કાનમાં પહેરેલું ઘરેણું ખેંચીને કાન ચીરી નાંખી ગંભીર ઈજાઓ પહોંચાડતા તેણીને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, જસદણના ભાડલાના રણજીતગઢ ગામે અશ્વીનભાઈની વાડીમાં એકાદ મહિનાથી ભાગિયા તરીકે રહેવા આવેલા મધ્યપ્રદેશના ભુરીબેન ધનસિંગ ડાવર (ઉં.વ.4પ) ને ગત રાતે બે વાગ્યે તેના પતિ ધનસિંગે લાકડીથી બેફામ મારકૂટ કરી તેણીને ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે મૃતકના પુત્રોએ જણાવ્યું હતું કે, રાતે માતા અને પિતા વચ્ચે કોઈ માથાકૂટ થઈ હતી. એ વખતે પોતે બન્ને ભાઈઓ વાડીના શેઢે પાણી વાળી રહ્યા હતાં ત્યારે માતાની ચીસો સાંભળીને રૂમ પર દોડી આવ્યા ત્યારે પોતાની માતાને તેનો પિતા મારકૂટ કરતો દેખાયો હતો. એ પછી તે ભાગી ગયો હતો. માતાના કાનમાં પહેરેલું ઘરેણું ખેંચાતા તેઓ કાન પણ ચિરાઈ ગયો હતો. તેમજ મોઢા માથા પર પણ ઈજાઓ પહોંચી હતી. બાદમાં વાડી માલિકને જાણ કરી હતી અને જસદણ સારવાર અપાવી માતાને રાજકોટ ખસેડી હતી. જ્યાં સારવાર દરમિયાન ભુરીબેને દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં ભાડલા પાલીસે દારૂડિયા પતિને સકંજામાં લીધો હતો અને તેણે નશાની હાલતમાં કોઈ કારણે ઝઘડો કરી પત્નીને મારકૂટ કરી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક