સાલ, સંજીવની, ક્રિષ્ના શેલ્બી,
હોપ ફોર હાર્ટ અને જીવરાજ મહેતા હોસ્પિટલને ખુલાસો કરવા સમન્સ મોકલાયું
ક્રાઈમ બ્રાંચે PMJAY અને વીમા એજન્ટોના નિવેદન લીધા
અમદાવાદ, તા. 3: અમદાવાદમાં ખ્યાતિ
હોસ્પિટલ મુદ્દે સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પાંચ આરોપીની ધરપકડ કરવામાં
આવી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસને વધુ સઘન બનાવતા
હવે ક્રાઈમ બ્રાન્ચે પાંચ ખાનગી હોસ્પિટલોનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખૂલતા પૂછપરછ
માટે સમન્સ પાઠવ્યા છે.
મળતી માહિતી અનુસાર આરોપી ડોક્ટર
પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપુત અને રાહુલ જૈનના આ ખાનગી હોસ્પિટલ સાથેના કનેક્શન સામે
આવ્યા છે. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચે પીએમજેએવાય અને વીમા એજન્ટોના નિવેદન લીધા
છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ પર રહેલા ચિરાગ રાજપુતની વધુ પૂછપરછ કરી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચે શહેરની સાલ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, ક્રિષ્ના શેલ્બી હોસ્પિટલ,
હોપ ફોર હાર્ટ હોસ્પિટલ અને જીવરાજ મહેતા હોસ્પિટલને ખુલાસો કરવા માટે સમન્સ મોકલ્યા
છે.
બીજી તરફ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ
કૌભાંડ મામલે મોટો ખુલાસો થયો છે કે પીએમજેએવાયનો લાભ લેવા માટે દરેક એપ્રુવલ ઇમરજન્સીમાં
મોકલવામાં આવતી હતી. પીએમજેએવાય યોજના હેઠળ 2022થી અત્યાર સુધી ખ્યાતિ હોસ્પિટલમાં
3500થી વધુ ઓપરેશન થયા હોવાનું સામે આવ્યું છે. પીએમજેએવાય દ્વારા રૂપિયા 16 કરોડથી
વધુની રકમ હોસ્પિટલને ચૂકવવામાં પણ આવી છે. ખોટા મેડિકલ રિપોર્ટના આધારે પીએમજેએવાયમાંથી
હોસ્પિટલ મંજૂરી મેળવતી હોવાનું સામે આવ્યું છે. વારંવાર ઈમરજન્સીમાં મંજૂરી મેળવતા
હોવા છતાં આરોગ્ય વિભાગએ કોઈ તપાસ ન કરી તે પણ એક સવાલ છે. પીએમજેએવાય દ્વારા આઠ કલાકમાં
100થી વધુ દર્દીની ફાઈલને મંજૂરી આપવામાં આવે છે. દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી
સંજય પટોણીયાને લઈને મળતા સમાચાર અનુસાર ગ્રામ્ય કોર્ટે રાહત આપવા લાયક આરોપી ન હોવાનું
ગ્રામ્ય કોર્ટનું અવલોકન કરીને આરોપી સંજય પટોળિયાને ગ્રામીણ કોર્ટે ફગાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આ કેસમાં
કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેઓ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત જેલમાં છે. જ્યારે
ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓ પૈકી ડોક્ટર પ્રશાંત વઝીરાણી, ચિરાગ રાજપુત જ્યુડિશિયલ
કસ્ટડીમાં છે. બાકીના ત્રણ આરોપીઓ ડોક્ટર સંજય પટોળિયા, કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારીએ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ડોક્ટર સંજય પટોળિયાની આગોતરા
જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે નકારી નાખી છે. જ્યારે રાજશ્રી કોઠારીની આગોતરા
જામીન અરજી ઉપર 5 ડિસેમ્બરે ચુકાદો આવશે.