• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

પંજાબમાં સડકો સુમસામ, સ્ટેશનોએ સન્નાટો

221 ટ્રેન રદ : કિસાનોના પંજાબ બંધના એલાનની વ્યાપક અસર

ચંડીગઢ, તા. 30 : પંજાબમાં કિસાનો દ્વારા કરવામાં આવેલા બંધના એલાનની વ્યાપક અસર જોવા મળી હતી. ચંડીગઢ જેવા શહેરોમાં ખાસ અસર નહોતી પણ જલંધર, લુધિયાણા, પઠાણકોટ, મોહાલી, હોશિયારપુર અને બઠિંડા જેવા વિસ્તારમાં બજારો બંધ રહી હતી. સ્થિતિ એવી બની હતી કે સડકો ખાલી હતી અને રેલવે સ્ટેશન સુમસામ પડયા હતા. કિસાનોએ રેલ રોકો આંદોલન પણ છેડયું હતું. જેના પરિણામે રેલવેએ પંજાબ થઈને ચાલનારી 221 ટ્રેન સોમવારે રદ કરી દીધી હતી. આ તમામ ટ્રેનનું સંચાલન જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ માટે કરવામાં આવે છે.

બીજી તરફ જમ્મુ તવીથી યુપી, બિહાર સહિત દેશના ઘણા રાજ્યોમાં જનરી લાંબી દૂરીની ટ્રેનોને પણ રદ કરી દેવામાં આવી હતી. પંજાબમાં માત્ર ઈમર્જન્સી સેવાઓનું જ સંચાલન ચાલી રહ્યું હતું. જો કે સાંજે ચાર વાગ્યા બાદ સ્થિતિ સામાન્ય બનવા લાગી હતી. કિસાનોના એલાનમાં પ્રાઈવેટ બસ સંચાલકો દ્વારા પણ સમર્થન અપાયું હતું. જેના કારણે સડકો ઉપર અવરજવર ઘટી હતી. આ બંધ કિસાન નેતા ડલ્લેવાલની ભૂખ હડતાલના સમર્થનમાં બોલાવવામાં આવ્યું હતું.જે ઘણા દિવસથી ઉપવાસ ઉપર છે અને તેમની તબિયત પણ ગંભીર છે.

ડલ્લેવાલના કહેવા પ્રમાણે સરકારે એમએસપીનો કાયદો લાવવો જોઈએ. જ્યાં સુધી એલાન કરવામાં આવશે નહીં ત્યાં સુધી ઉપવાસ કરવામાં આવશે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને આદેશ કર્યો છે કે ભલે બળજબરીપૂર્વક પણ ડલ્લેવાલને હોસ્પિટલે લઈ જવામાં આવે. ડલ્લેવાલને ભૂખહડતાલ કર્યાને એક મહિનાથી વધારે સમય વિતી ચૂક્યો છે. શંભુ બોર્ડર ઉપર રહેલા કિસાનો દિલ્હી જવા માગતા હતા પણ મંજૂરી ન મળતા ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક