• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

પાક.ની સૈન્ય છાવણી, ચોકીઓ કબજે કરવા માંડયું તાલિબાન

પાક.-તાલિબાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ : ખૈબર પખ્તૂન્ખ્વામાં સૈન્ય છાવણી ઉપર અને ડૂરંટ લાઈન ઉપર પાક.ની ચોકીઓ ઉપર ટીટીપીનો કબ્જો: તાલિબાને મચાવી તબાહી

નવીદિલ્હી,તા.30: દુનિયામાં અનેક દેશો રણભૂમિમાં બાખડી રહ્યાં છે ત્યારે આમાં હવે પાકિસ્તાની સેના અને અફઘાનિસ્તાનમાં સત્તા કબ્જે કરનાર તાલિબાનો વચ્ચે પણ યુદ્ધ જેવી હાલત પેદા થઈ ગઈ છે. ડૂરંટ લાઈન ઉપર બન્ને વચ્ચે જાણે જંગ જ ખેલાઈ રહી હોય તેવી સ્થિતિ છે. તાલિબાની આતંકીઓએ પાકિસ્તાની સેનાનાં 16 સૈનિકોની હત્યા કર્યા પછી પાક. વાયુદળે અફઘાનનાં પાત્કિકા અને ખોસ્ત પ્રાંતમાં એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં પ0 જેટલા લોકો મરાયા હતાં. જેની સામે તાલિબાને ડૂરંટ લાઈન સમીપ આવેલી પાક.ની ચોકીઓ ઉપર હુમલો કરીને 19 સૈનિકોનો ખાત્મો કરી નાખ્યો હતો. આટલું જ નહીં 2 પાકિસ્તાની ચોકીઓ ઉપર કબ્જો પણ કરી લીધો છે. આટલું જ નહીં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)નાં આતંકીઓએ ખૈબર પખ્તૂન્ખ્વામાં બાજૌર જિલ્લાનાં સાલારજઈ વિસ્તારમાં એક પાકિસ્તાની સૈન્ય છાવણી ઉપર કબ્જો પણ કરી લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન અંગ્રેજોએ ખેંચેલી ડૂરંટ લાઈન કબૂલતું નથી. જેનાં માટે પાક. અને અફઘાન વચ્ચે તંગદિલી રહેતી આવી છે. હવે બન્ને દેશ દ્વારા સામસામા હુમલાને પગલે ડૂરંટ લાઈનનો મુદ્દો ફરીથી ધગી ગયો છે. જેમાં બન્ને દેશની સેનાઓ એકબીજાની હદમાં ઘૂસીને લોકોને મારવા લાગી છે.

તાલિબાની રક્ષા મંત્રાલયેનાં કહેવા અનુસાર ડૂરંટ લાઈન ઉપર બન્ને તરફથી હિંસક અથડામણો થઈ રહી છે. તાલિબાને પાક.ની બે ચોકીઓ ઉપર કબ્જો કરી લીધો છે. તાલિબાની લડાયકોએ ભારે હથિયારોનો પ્રયોગ કરીને પાક. ચોકીઓને આગનાં હવાલે પણ કરી નાખી હતી. તાલિબાની લડાયકો ગોજમઢી, માટા સાંગર, કોટ રાધા અને તરી મેંગલમાં ઘૂસી ગયા છે અને ભારે ગોળીબાર પણ કરી રહ્યાં છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક