• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

મહાકુંભ ભાગદોડમાં મૃત્યુના આંકડા પર સંસદમાં સંગ્રામ

હંગામાભેર વિપક્ષની માગ : સાચા આંકડા બતાવો

ખડગે બોલ્યા; હજારો મૃતકોને શ્રદ્ધાંજલિ

ધનખડે કહ્યું; નિવેદન પાછું ખેંચો

બિરલા : લોકોએ ટેબલ તોડવા નથી મોકલ્યા

નવી દિલ્હી, તા. 3 : સંસદના બંને ગૃહોમાં સોમવારે મહાકુંભમાં ભાગદોડથી થયેલા મોત પર મહાભારત સર્જાઇ હતી, જેમાં બજેટ સત્રના ત્રીજા દિવસનું ધોવાણ થઇ ગયું હતું. કોંગ્રેસ, સપા સહિત તમામ વિપક્ષોએ કેન્દ્ર સરકાર પર મહાકુંભ ભાગદોડમાં મોતના સાચા આંકડા છુપાવવાના આરોપ સાથે હંગામો મચાવી દીધો હતો. વિપક્ષોના વર્તનથી નારાજ થયેલા સ્પીકરે એવો સવાલ કર્યો હતો કે, શું જનતાએ આપ સૌને ટેબલ તોડવા, સૂત્રોચ્ચાર કરવા જ મોકલ્યા છે ?

રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, 29મી જાન્યુઆરીના મહાકુંભમાં મચેલી ભાગદોડમાં જીવ ખોનાર હજારો લોકોને મારી શ્રદ્ધાંજલિ. સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ‘હજારો લોકો’વાળું નિવેદન પાછું ખેંચવા કહ્યું હતું. જવાબમાં ખડગેએ કહ્યું હતું કે, આ મારું અનુમાન છે. જો આંકડા સાચા નથી તો સરકારે સાચા આંકડા આપવા જોઇએ.

મેં કોઇને પણ દોષી ઠરાવવા માટે ‘હજારો’ નથી કહ્યું, પરંતુ ખરેખર કેટલા મોત થયાં તેની જાણકારી તો આપો. જો હું ખોટો છું તો માફી માગીશ, તેવું કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું હતું.

દરમિયાન ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે વિપક્ષની ધમાલ મુદ્દે કહ્યું હતું કે, મહાકુંભની દુર્ઘટનામાં ષડયંત્રની વાસ આવી રહી છે અને જ્યારે તેનો તપાસનો રિપોર્ટ બહાર આવશે ત્યારે કેટલાયનાં માથાં શરમથી ઝૂકી જશે.

સદનની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. પ્રશ્નકાળ દરમિયાન શોર મચાવીને કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને અન્ય કેટલાક વિપક્ષી દળોના સભ્યોએ મહાકુંભમાં ભાગદોડ અંગે લોકસભામાં સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. સરકારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષી દળો કોઈપણ મુદ્દો ઉઠાવી શકે છે. તેમ છતાં વિપક્ષો શાંત પડયા નહોતા.

બજેટ સત્રના ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ મહાકુંભમાં ભાગદોડની ઘટના અંગે સરકાર પાસેથી જવાબ માગવા માટે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. વિપક્ષના કેટલાક સભ્યો સ્પીકરના મંચ પાસે ધસી ગયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને ગૃહને ચાલવા દેવાની અપીલ કરી અને કહ્યું, ‘જો તમને દેશની જનતાએ સૂત્રોચ્ચાર કરવા માટે મોકલ્યા છે, તો તે જ કરો. જો તમારે ગૃહ ચલાવવું હોય તો જાઓ અને તમારી સીટ પર બેસો.’ સ્પીકર બિરલાએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કરતાં કહ્યું હતું કે, સભ્યોને ખ્યાલ હોવો જોઈએ કે રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ચર્ચા કરવાની છે અને માનનીય રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કુંભનો પણ ઉલ્લેખ કર્યો છે. ગૃહમાં એવી વ્યવસ્થા છે કે, પ્રશ્નકાળ દરમિયાન કોઈ ચોક્કસ મુદ્દા પર ચર્ચા ન થઈ શકે, તો સભ્યોએ પ્રશ્નકાળને શાંતિપૂર્વક ચાલવા દેવો જોઈએ.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજ્જુએ પણ હસ્તક્ષેપ કર્યો હતો અને વિપક્ષી સભ્યોને પ્રશ્નકાળમાં વિક્ષેપ ન લાવવા વિનંતી કરી હતી. તેમણે આગળ એવું પણ ઉમેર્યું હતું કે, વિપક્ષ રાષ્ટ્રપતિના સંબોધનની ચર્ચા દરમિયાન પણ પોતાનો મત રજૂ કરી શકે છે. અધ્યક્ષે ફરીથી સભ્યોને હોબાળો ન કરવા વિનંતી કરી પણ મામલો થાળે નહીં પડતાં તેમણે ઉશ્કેરાટમાં કહ્યું હતું કે, શું લોકોએ તમને અહીં ટેબલ તોડવા માટે ચૂંટયા છે કે તેમની સમસ્યાઓ ઉકેલવા માટે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પ્રશ્નકાળ કોઈપણ તબક્કે સ્થગિત કરવામાં આવશે નહીં. ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પોતાનાં નિવેદનમાં ભાગદોડનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આ દુર્ઘટનામાં કાવતરાંની ગંધ આવી રહી છે અને તપાસ અહેવાલ બહાર આવશે ત્યારે કેટલાંયનાં માથાં શરમથી ઝૂકી જશે.

પ્રસાદે કોંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીની તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે ટિપ્પણીની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે, સર્વોચ્ચ બંધારણીય પદનું અપમાન કરવું કોંગ્રેસની પરંપરા અને તેમના રાજકીય ડીએનએમાં છે.

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025