• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ ભાજપમાં જૂથવાદનો ચરુ ઉકળ્યો!

રાજકોટ, તા.3 : સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જ ભાજપમાં આંતરિક જૂથવાદનો ચરુ ઉકળ્યો છે જેમાં ભાજપના નેતાઓ હવે એકબીજાને જાહેરમાં ઉઘાડા પાડવા લાગ્યાં છે. ભાજપના સિનિયર નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજકારણમાં દલાલોનો રાફડો ફાટી નીકળ્યો હોવાની વાત કરીને ચર્ચા જગાવી છે જેમાં આ વખતે તેમણે પોતાના પક્ષ ઉપર જ નિશાન સાધ્યું છે. બીજીતરફ જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની આગામી ચૂંટણી પહેલા રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલના લાંબા સમયના સમર્થક અને ભાજપના કાર્યકર ભીમજી મકવાણાએ પણ તેમની સામે ગંભીર આરોપ મૂક્યાં છે. અમરેલી લેટરકાંડનો મુદ્દો પણ હજુ ધગધગે છે અને આ મુદ્દે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસ કરવા ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ માગણી કરી છે.

 

રાજકારણમાં વચેટિયાઓ, ભાજપનો નેતા છું

કહી ઓળખાણ વધારે છે : નીતિન પટેલ

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સૌથી ચોંકાવનારુ નિવેદન આપ્યું છે જેનાથી સમગ્ર પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણાના કડી તાલુકાના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવમાં સંબોધતાં તેમણે કહ્યું છે કે, રાજકારણમાં દલાલો વધી ગયાં છે. આ દલાલો ભાજપની ઓળખાણ આપીને ફટાફટ પોતાના કામ કરાવી લે છે. હું ભાજપનો કાર્યકર અને નેતા છું એવું કહીને તેઓ અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે. ભાજપ સરકારે બહુ બધાને બહુ મોટા અને સુખી કર્યા છે. દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયાં છે ત્યારે નીતિન પટેલે આ ગર્ભીત ઈશારો કોના તરફ કર્યો છે તે મોટો સવાલ છે.

નીતિન પટેલે 10 વર્ષે પાટીદાર અનામત આંદોલનને લઈને પણ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. 2015માં જ્યારે આ આંદોલન થયું ત્યારે એકપણ નેતાએ આ મુદ્દે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા આપી ન હતી પરંતુ હવે 10 વર્ષ બાદ ભાજપના જ નેતા દ્વારા આંદોલનનું કારણ જણાવવામાં આવ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે, 90 ટકા, 92 ટકા, 96 ટકા લાવતા બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને એડમિશન મળતું હતું એટલે વિદ્યાર્થી અને વાલીઓમાં સંતોષ ઉભો થયો હતો. આ અસંતોષને કારણે પાટીદારએ આંદોલન કર્યુ હતું.

 

નીતિનભાઈની વાત સાચી છે : ‘આપ’

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપી છે જેમાં જણાવ્યું છે કે, નીતિનભાઈએ દિલની વાત કરી છે અને એ વાત સાચી છે. ભાજપના કેટલાક હોદ્દેદારો લાભાર્થીઓ બનીને લાભ લઈ રહ્યાં છે. જે લોકો સ્કૂટર લઈને ફરતા હતાં એ લોકો આજે ફોર્ચ્યુનર લઈને ફરતા થઈ ગયાં છે. ભાજપ સત્તામાં છે એટલે અધિકારીઓને ડરાવી-ધમકાવીને પોતાના કામ કરાવી લે છે.

 

ભાજપનો ખેસ પહેરો લૂંટફાટ ચલાવો : કોંગ્રેસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જે વ્યથા વ્યક્ત કરી છે તે હકીકતમાં ભાજપાની ભ્રષ્ટાચારની કથા છે તેવું કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીશ દોશીએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યુ છે કે, ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈ સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે ભાજપનો ખેસ પહેરો લૂંટફાટ ચલાવો, એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો તેવી નિતિના લીધે સમગ્ર ગુજરાતમાં વારંવાર કૌભાંડો થઈ રહ્યાં છે. ભ્રષ્ટાચારી ભાજપાના ચાલ, ચલન, ચરિત્ર અને ચહેરા વધુ એક વાર ખુલ્લો પડી ગયો છે?

 

કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધ

ટેકેદારે જ ‘લેટરબોમ્બ’ ફોડયો!

રાજકોટ તા.3 : અમરેલી બાદ હવે જામનગરમાં પણ કૃષિમંત્રી રાઘવજી પટેલ વિરુદ્ધ લેટરકાંડ સામે આવ્યો છે. જેમાં રાઘવજી પટેલના જ ખાસ ટેકેદાર મનાતા ભીમજી મકવાણાએ તેમની પક્ષ વિરુદ્ધની પ્રવૃત્તિ જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે.

મકવાણાએ પત્રમાં લખ્યું છે કે, કૃષિમંત્રી રાઘવજી પટેલે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હતી ત્યારે રાતોરાત બહુજન (બસપા)નું મેન્ડેટ ખરીદીને મોટા વાગુદડમાં તાલુકાની સીટમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે બસપાનો ઉમેદવાર ઉભો કરી દીધો હતો. સ્થાનિક ઉમેદવાર ન મળતા હાડાટોડાથી આયાતી ઉમેદવાર ઉતાર્યો હતો અને એટલો દૂર ફરવા મોકલી દીધો હતો કે, ઉમેદવાર પોતાનું ફોર્મ પાછું ખેંચવા ધારે તો પણ ટાઈમે પહોંચી ન શકે અને રૂપિયા બેથી 3 લાખનો ખર્ચો પણ કર્યો હતો. વધુમાં તેમણે પત્રમાં જણાવ્યું છે કે, રાઘવજીએ પોતાનો ઈગો વ્યક્તિગત સ્વાર્થ અને ઈર્ષાની તૃપ્તિ માટે પક્ષની શિસ્તના લીરેલીરા ઉડાવ્યાં હતાં ત્યારે ત્યાં સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જ હતાં ત્યારે તમારી શિસ્ત અને પાર્ટી પ્રત્યેની વફાદારી ક્યાં ગાયબ થઈ ગઈ હતી ? શું કૃષિમંત્રીને પાર્ટીમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવાની છૂટ છે ? તેવા સવાલો કર્યા છે.

કૃષિમંત્રી રાઘવજી પટેલે પોતાના ઉપર થયેલા આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, ટિકિટવાંછુ હોવાથી ટિકિટ ન મળતાં તેમણે આવું કર્યું છે. ભીમજી મકવાણા મારો ટેકેદાર જ છે પરંતુ વોર્ડ નં.6માં રહે છે અને એણે વોર્ડ નં.5માંથી ટિકિટ માગી હતી, ટિકિટ ન મળતાં ગુસ્સે થઈને તેણે આવું કર્યુ છે. ટિકિટ કોને આપવી અને કોને ન આપવી ? તે નિર્ણય પાર્ટીનો હોય છે મે મારા તરફથી પૂરતા પ્રયત્નો કર્યા હતાં.

 

અમરેલી લેટરકાંડ મુદ્દે મુખ્યમંત્રીને દિલીપ

સંઘાણીનો પત્ર : નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર

અમદાવાદ : અમરેલી લેટરકાંડ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. સંઘાણીએ નિવૃત્ત જજની અધ્યક્ષતામાં તપાસની માંગ સાથે પોતાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તૈયારી દેખાડી છે. સંઘાણીએ જણાવ્યું છે કે, મારું અને ભાજપના અન્ય નેતાઓનું નામ લેવા આરોપીઓને દબાણ કરાયું હતું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અથવા રાજકીય આગેવાનો દ્વારા આ પ્રવૃત્તિ કરાયાની આશંકા છે.

પત્રમાં તેમણે જણાવ્યું છે કે, અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કીશોરભાઈ કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી તેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષભાઈ વઘાશીયા, એક મહિલા સહિત કુલ 4 વ્યક્તિની ધરપકડ કરેલ હતી અને જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઈ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે મારું તથા અન્ય ભાજપા આગેવાનના નામ આપવા દબાણ કરેલ તેવી હકીકત મનિષભાઈ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ અને તે મેં મીડિયાના માધ્યમથી જોઇ હતી. જે અત્યંત ગંભીર બાબત કહી શકાય.  અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઈ શકે તેમ મારું માનવું છે. સમગ્ર બાબતે હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છું. ચાર આરોપીઓ પણ આ સમગ્ર મામલે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છે. ત્યારે હાઇકોર્ટના નિવૃત્ત જજ પાસે સમગ્ર કેસની તપાસ કરાવવી જોઇએ.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025