• બુધવાર, 12 માર્ચ, 2025

જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાને આજે સાંજે 5 વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થશે

ક્ષ     66 નગરપાલિકાના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ

અમદાવાદ, તા.13 : જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણીઓ આગામી તા.16ના રોજ યોજવા જઇ રહી છે. જેમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ 7036 ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. તે પૈકી 1261 અમાન્ય તેમજ 5775 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા હતા. આ પૈકી 478 ઉમેદવારે ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા હતા જ્યારે કુલ 213 બેઠક બિનહરીફ થઇ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ 5084 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.

રાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાનનો સમય પૂરા થવાના કલાક સાથે પૂરા થાય તે રીતે 48 કલાકનો સમય એટલે તારીખ 14ના સાંજના 5.00 કલાકથી પ્રચાર પડધમ શાંત થઇ જશે. દરેક રાજકીય પક્ષોએ પોતાનો ઉમેદવાર જીતે તે માટે એડીચોટીનું જોર લગાવ્યું છે. 

જૂનાગઢ મહાનગરપાલિકાના 15 વોર્ડની કુલ 60 બેઠક પૈકી વોર્ડ નં.3 તથા 14 (કુલ 8 બેઠક) સંપૂર્ણ બિનહરીફ થઇ છે બાકીના વોર્ડોની પર બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ 157 ઉમેદવાર ચૂંટણી જંગમાં રહ્યા છે.  અમદાવાદ મહાનગરપાલિકાના વોર્ડ નં.7 (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.3 (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.18( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 17 ઉમેદવાર હરીફાઇમાં છે.

સામાન્ય ચૂંટણી હેઠળની 66 નગરપાલિકાઓના 461 વોર્ડ પૈકી 24 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે. કુલ 1844 બેઠક પૈકી 167 બેઠક બિનહરીફ થઇ છે જ્યારે 1677 બેઠક પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ 4374 ઉમેદવાર મેદાનમાં છે.

મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના 18 વોર્ડ પૈકી 4 વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયા છે. કુલ 72 બેઠક પૈકી 23 બેઠક બિનહરીફ થઇ છે જ્યારે 49 બેઠક પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે 101 ઉમેદવાર હરિફાઇમાં છે. નગરપાલિકાની પેટા ચૂંટણી હેઠળની 21 બેઠક પૈકી 2 બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગરપાલિકાના વોર્ડ નં.ર તથા 5ની બેઠક) બિનહરીફ થઇ છે. 19 બેઠક પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ 45 ઉમેદવાર સ્પર્ધામાં છે.

જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 9 બેઠક પૈકી 1 બેઠક (પંચમહાલ જિલ્લાની 29-શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. 8 બેઠક પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 2ર ઉમેદવાર ચૂંટણી જંગમાં છે.

તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની 91 બેઠક પૈકી 12 બેઠક બિનહરીફ થયેલ છે. હારીજ તાલુકા પંચાયતની 12-સાંકરા, બગસરા તાલુકા પંચાયતની 16-વાઘણિયા જૂના પર ઉમેદવારી પત્રો ભરાયેલ ન હોય તેમજ બાબરા તાલુકા પંચાયતની 10-કરિયાણા બેઠક પર એક ઉમેદવારી પત્ર રજૂ થયેલ જે રદ થયેલ હોય ચૂંટણી યોજવાની થતી નથી. આ સિવાયની પેટા ચૂંટણી હેઠળની 76 બેઠક પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે 190 ઉમેદવાર હરિફાઇમાં છે.

રાજ્ય ચૂંટણી આયોગના  સચિવ જી.સી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, તા. 16-02-2025ના રોજ સવારે 7.00 કલાકથી 6.00 કલાક સુધી મતદાન યોજાનાર છે. સામાન્ય/ મધ્યસત્ર/ પેટા ચૂંટણી હેઠળની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં મતદાન મથકે મત આપવા જનાર મતદારે ભારતના ચૂંટણી પંચે આપેલ મતદાર ઓળખપત્ર રજૂ કરવાનું રહેશે અનિવાર્ય સંજોગોમાં જો મતદાર ઓળખપત્ર રજૂ ન કરી શકે તો રાજ્ય ચૂંટણી આયોગે નક્કી કરેલા 14 (ચૌદ) ફોટો સાથેના દસ્તાવેજી પૂરાવો રજૂ કરી મતદાન કરી શકશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

જૂનાગઢમાં સવા અબજના બોગસ બિલ કૌભાંડમાં છ શખસને ત્રણ વર્ષની જેલ પૂર્વ મેયર સહિત બેના અવસાન થતા એબેટ જાહેર March 12, Wed, 2025