• ગુરુવાર, 13 માર્ચ, 2025

વોકહાર્ટનું બિલ હાર્ટ એટેક અવરાવે તેવું, 7 ટાંકા લેવાના રૂ. 1.60 લાખ ખંખેર્યા !

 અકસ્માતમાં ઘવાયેલા 9 વર્ષના બાળકને હાથમાં ગંભીર ઈજા થતાં વોકહાર્ટમાં દાખલ કરાયો

10,000 રોકડા લીધા અને મેડિક્લેઈમ હોવાનું જણાવતા ડિસ્ચાર્જ સમયે 1400 પાછા આપીને તગડું બિલ પકડાવ્યું

રાજકોટ, તા.12 : શહેરની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. સ્કૂટર પરથી પડી જવાના કારણે ઈજા પામેલા એક 9 વર્ષના બાળકને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટરો દ્વારા બાળકના હાથમાં 7 ટાંકા લેવાયા હતા. પરિવારે મેડિક્લેમ હોવાનું જણાવતા તેને 24 કલાક દાખલ કર્યો હતો. એટલું જ નહીં આ સામાન્ય સારવાર માટેનું રૂ.1.60 લાખનું બિલ ફટકાર્યું હતું. જેને લઈ બાળકના દાદાએ વોકહાર્ટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યા છે. આ મામલે જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારો પૌત્ર માસ્ટર હેનિલ ચિંતનભાઈ માકાણી અને પુત્રવધૂ 4 માર્ચે સ્કૂટર પર જતાં હતાં. દરમિયાન ઓચિંતી બ્રેક લાગતા સ્કૂટરની સાથે પૌત્ર પણ પડી જતા તેનો હાથ ફંસાઈ ગયો હતો. જે ખેંચવા જતા પતરું લાગવાથી હાથમાં ઈજા પહોંચી હતી. નજીકમાં જ વોકહાર્ટ હોસ્પિટલ હોવાથી ત્યાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડૉક્ટર્સ સહિત સ્ટાફ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. પૌત્રના હાથમાં પતરું લાગ્યું હોવાથી તરત ક્લીન કરવામાં આવ્યું હતું. પાટો બાંધી આપ્યા બાદ સ્ટિચ લેવા જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું.

કેશલેસ હોવા છતાં રૂ.10 હજાર રોકડ વસૂલાયા બાદમાં અમને મેડિક્લેમ અંગે પૂછવામાં આવતા અમે મેડિક્લેમ હોવાનું જણાવ્યું હતું. જેથી અમને 24 કલાક એડમિટ થવા માટે કહેતા અમે હા પાડી હતી. રાત્રે 10 વાગ્યા પછી પૌત્રને સ્ટિચ લેવા ઓપરેશન થિયેટર અંદર લઈ ગયા હતા. એકાદ કલાકમાં રૂમમાં શિફ્ટ કરી દીધો હતો. સવારે તેને ખૂબ સારું હતું અને તે બોલતો ચાલતો અને હરતો-ફરતો હોવાથી અમે રજા માટે પૂછ્યું હતું ત્યારે 24 કલાક થયા બાદ સાંજે રજા આપવાનું સ્ટાફ દ્વારા જણાવાયું હતું. બાદમાં સાંજે 7 વાગ્યાના સુમારે 24 કલાક પૂરા થતા અમે ફરી રજા આપવા કહ્યું હતું. આ સમય 10,000માંથી માત્ર રૂ.1400નું રિફંડ આપવામાં આવ્યું હતું.

સામાન્ય સ્ટિચ લેવાનું રૂ.1,60,910 બિલ જવાબમાં હજુ એપ્રૂવલ નહીં આવ્યું હોવાનું જણાવાયું હતું અને 5 માર્ચે છેક રાત્રે 10:40 વાગ્યે ડિસ્ચાર્જ કરાયા હતા ત્યારબાદ છેલ્લે અમને રૂ.1,60,910નું બિલ આપવામાં આવતા ખૂબ આશ્ચર્ય થયું હતું. આમ છતાંય અમે ત્યાંથી નીકળી ગયા હતા. બે દિવસ અમે કેટલાક લોકોની સલાહ લીધી હતી. બાદમાં એક જાગૃત નાગરિક તરીકે હોસ્પિટલ સામે સવાલ ઉઠાવવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈને અમે મીડિયા દ્વારા વોકહાર્ટ હોસ્પિટલ સામે સવાલ ઉઠાવ્યો છે. જો હોસ્પિટલ દ્વારા આ મામલે સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની અમારી તૈયારી છે.

-----------------

‘કેમ છે બેટા ?’ પૂછવા આવનાર ડો.ધમસાણિયાનો ચાર્જ રૂ.61,120

ધંધાની પર્યાય બની ગયેલી અને વારંવાર વિવાદમાં રહેતી વોકહાર્ટ હોસ્પિટલમાં 9 વર્ષના બાળકને એક દિવસ દાખલ રખાયો હતો. જેનું તગડું બીલ આપવામાં આવ્યું છે. આ બિલમાં ખાસ બાબત એ છે કે, તેમાં ઓર્થોપેડિક સર્જન ડો.હાર્દિક ધમસાણિયાની વિઝિટનો ચાર્જ રૂ.61,120 લગાવાયો છે. આ ડોક્ટરે આવીને બાળકને માત્ર એટલું જ પુછ્યું હતું કે, કેમ છે બેટા ?, આ સિવાય કોઈ કામ કર્યુ નથી. તો આટલો ચાર્જ માત્ર ખબર પૂછવાના લેતા હોય તે કેવા ડોક્ટર હશે ?

કઈ રીતે ચાર્જ વસૂલાયો

ડૉ.હાર્દિક ધમસાણિયા        61,120

સર્જરી    21,400

ડૉ.ભાવિક ભૂવા    11,000

એસો.કો.સર્જન    15,000

ઈમર્જન્સી સર્જરી 3,210

ઈમર્જન્સી સર્જન  9168

ઈમર્જન્સી એનેસ્થેસિયા     1650

ઈમર્જન્સી એસો.સર્જન      2250

ફાર્મસી   3044

કુલ બિલ રૂ.1,60,910

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી જીત બાદ ICC વન ડે ક્રમાંકમાં ભારતીય ખેલાડીઓ છવાયા કપ્તાન રોહિત ફાયદા સાથે ત્રીજા સ્થાને : ગિલ ટોચ પર યથાવત્ March 13, Thu, 2025

Crime

ધ્રાંગધ્રાંમાં કાર્યપાલક ઈજનેર કચેરીના તત્કાલીન કલાર્ક વિરુધ્ધ રૂ. 36.39 લાખની અપ્રમાણસરની મિલ્કતનો ગુનો નોંધાયો March 13, Thu, 2025