દિલ્હી હાઈ કોર્ટનાં ચીફ જસ્ટિસે સરકારી બંગલોમાંથી કરોડો રોકડા મળવાની ઘટનામાં રિપોર્ટ આપ્યો
નવી દિલ્હી, તા.22: જસ્ટિસ વર્માનાં ઘરેથી કથિતરૂપે 1પ કરોડ રૂપિયા રોકડા મળી આવવાનાં ચોંકાવનારા ઘટનાક્રમમાં દિલ્હી હાઈકોર્ટનાં ચીફ જસ્ટિસ ડી.કે.ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટનાં ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાને પોતાનો આંતરિક તપાસ અહેવાલ સુપરત કરી દીધો છે. જસ્ટિસ ઉપાધ્યાયે આ ઘટના અંગે પુરાવા અને જાણકારીઓ એકત્ર કરીને આંતરિક તપાસ હાથ ધરી હતી. તા.14મી માર્ચનાં હોળીની રાતે આશરે 11.3પ કલાકે જસ્ટિસ વર્માનાં સરકારી બંગલોમાં આગ લાગી હતી. તેઓ ત્યારે દિલ્હી બહાર હતાં. તેમનાં પરિવારે આની જાણ ફાયરબ્રિગેડને કરેલી. આગ ઠારવા માટે મોટી સંખ્યામાં અગ્નિશામક દળનાં લોકો અને પોલીસકર્મીઓ પણ પહોંચી ગયા હતાં. આ દરમિયાન એક ઓરડો રોકડા નાણાથી ભર્યો હોવાનું બહાર આવ્યું હોવાનું કહેવાય છે.
આ ઘટના પછી સુપ્રીમ કોર્ટની કોલેજીયમે જસ્ટિસ યશવંત વર્માને પરત અલ્હાબાદ હાઈકોર્ટમાં બદલી કર્યા હતાં. જો કે એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે, આ કોઈ દંડાત્મક કાર્યવાહીનાં ભાગરૂપે થયેલો આદેશ નથી.