• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

વડાલિયા ફૂડસના માલિક અને પરિવાર સાથે રૂા.11 કરોડની ઠગાઈ

કપચીના ધંધામાં રોકાણ કરો તો વાર્ષિક 12% વ્યાજ આપશું તેમ કહી ફસાવ્યા : ઉદ્યોગપતિની ફરિયાદ પરથી ક્રાઈમબ્રાંચે અમિત ભાણવડિયાની ધરપકડ કરી અન્ય એક શખસની શોધખોળ હાથ ધરી

રાજકોટ,તા.16: રાજકોટની  નામાંકિત વડાલીયા ફૂડસ કંપનીના માલિક અને તેના પરિવાર સાથે પેઢીમાં નાણા રોકાણ કરવાના નામે રૂા. 10.99 કરોડની છેતરપીંડી થતા શહેરભરમાં ચકચાર મચી ગઇ હતી. કંપનીના માલિકે ક્રાઈમબ્રાંચમાં કપચીનો વેપાર કરતા બે શખસો સામે ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાંચની ટીમે નામચીન અમિત ભાણવડિયા નામના શખસની ધરપકડ કરી બીજા આરોપીની શોધખોળ હાથ ધરી છે.

બનાવ અંગે મોટા મવામાં આવેલી માસુમ સ્કુલની બાજુમાં રહેતા દર્શનભાઇ રસિકભાઇ વડાલીયાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વિજય હરી માકડીયા અને અમીત રમેશ ભાણવડીયા (રહે. બંને ફોર્ચ્યુન એકઝોટીક એપાર્ટમેન્ટ, મોટા મવા)નું નામ આપતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

 વધુમાં જણાવ્યું હતું કે તેઓને ગોંડલ રોડ પર આવેલા ગાંધી ચેમ્બરમાં વડાલીયા ફુડસ નામની પેઢી ધરાવી નમકીન પ્રોડકટનો વેપાર કરે છે. વર્ષ ર019માં વિજય માકડીયા તેમના સંબંધી છે અને તેઓને છેલ્લા આઠેક વર્ષથી ઓળખતા હોવાથી આરોપી કપચી ક્રશરની પેઢી ચલાવે છે. જેમાં ભાગીદાર તરીકે અમીત ભાણવડિયા છે અને તેઓને પણ ફરિયાદી ઓળખે છે. 

  આરોપી વિજય માકડિયા અને અમિત ભાણવડિયાની જુની ઓફિસ જે યુનિવર્સિટી રોડ, પંચાયતનગર ચોકમાં આવી છે. ત્યાં ફરિયાદીને અવારનવાર બંને બોલાવતા હતા. તેઓ ઓફિસે ગયા ત્યારે ક્રશર પેઢીમાં રોકાણ કરવાનું  જણાવી વાત કરી હતી કે અમે બંને દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિલ સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરીએ છીએ તેમાં તમે પૈસાનું રોકાણ કરો તો તમને વાર્ષિક 1ર ટકાના વળતર સાથે તમે રોકાણ કરેલી મુડી સમયમર્યાદામાં પરત કરશું.

જેથી બંને આરોપી સંબંધી અને મિત્ર હોય તેઓના કહેવાથી ફરિયાદીએ તેમના પરિવારમાં આ બાબતે વાત કરતા તેઓએ બંને આરોપી પર વિશ્વાસ રાખી પૈસાનું રોકાણ કરવા સહમતી દર્શાવેલી હતી. આ બાબતે બંને આરોપીઓને વાત કરતા જણાવ્યું કે તમે બધા આપણા સગા જ થાવ છો.

જે બાદ વર્ષ ર019થી ર0ર4 સુધીમાં ફરિયાદી અને તેમના પરિવાર પાસે આરોપીઓએ તેની ત્રણ ભાગીદારી ક્રશર પેઢીમાં કુલ રૂપિયા 6,90,67,000 રોકાણ કરાવ્યું હતુ અને વળતર સહિત રૂપિયા માંગતા આરોપીઓએ થોડા રૂપિયા પણ આપ્યા હતા. જેથી તેમના પર વધુ વિશ્વાસ બેઠો હતો. જે બાદ રોકાણ કરેલા રૂપિયા વળતર સહિત પરત માંગતા બંને શખ્સો કહેતા કે તમારૂ જે રોકાણ છે. જે રકમ અમે આગળના રોકાણમાં ગણી તે તમામ રકમ વળતર સહિત તમને ચુકવી આપશું. તેમ કહી  વિશ્વાસમાં લઇ વધુ રૂા.1.8 કરોડ પરત આપ્યા હતા, ત્યાર બાદ રોકાણ કરેલા રૂપિયાની માંગણી કરાતા બંને શખ્સોએ શરૂઆતમાં અલગ અલગ બહાના બતાવી અંતે પૈસા પરત આપવાની ના પાડીને કહ્યંy કે તમારાથી થાય તે કરી લેજો પૈસા આપવાના થતા નથી. ત્યારબાદ બંનેએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.

ફરિયાદી અને તેના પરિવાર સાથે રૂ.11 કરોડની છેતરપીંડી થયાની જાણ થતા ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુધ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી અમિત રમેશભાઈ ભાણવડિયાની ધરપકડ તેના પાર્ટનર વિજય હરિભાઈ માકડિયાની શોધખોળ હાથ ધરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક