વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ, બ્લેક બોકસ કબજે લેવાયું : પ્રાથમિક તપાસમાં રન વે ના આંકલનમાં પાયલટ દ્વારા ચૂકની આશંકા
બારામતી,
તા.ર9 : 3 દિવસના રાજકીય શોક અને સંપુર્ણ રાજકીય સમ્માન સાથે ગુરુવારે મહારાષ્ટ્રના
નાયબ મુખ્યમંત્રી અજિત પવારના બારામતીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમર્થકોની
નારેબાજી વચ્ચે તેમના પાર્થિવ દેહને બારામતીના એક શૈક્ષણિક સંકુલમાં અંતિમ દર્શનાર્થે
રાખવામાં આવ્યો હતો. પત્ની સુનેત્રાએ ગંગાજળ અર્પણ કર્યા બાદ પુત્રો પાર્થ અને જય પવારે
મુખાગ્નિ આપી હતી અને એનસીપી-અજિત પવારના કાર્યકરોની વિશાળ જનમેદનીએ આંખોમાં આંસુ સાથે
પોતાના નેતાને અંતિમ વિદાય આપી હતી. અંતિમ વિધિ વખતે રાજય અને કેન્દ્રના અગ્રણી નેતાઓ,
આગેવાનો હાજર રહયા હતા. પાર્થિવ દેહને તિરંગામાં લપેટાયો હતો અને ગન સેલ્યૂટ અપાઈ હતી.
દરમિયાન
તપાસ એજન્સીએ વિમાનનું બ્લેક બોકસ મેળવી લીધુ છે. જેનું હવે વિશ્લેષણ કરી દુર્ઘટનાના
કારણોની તપાસ કરાશે. એક આશંકા દર્શાવાઈ છે કે બારામતીમાં દૃશ્યતા ફક્ત 3 કિમી હતી તો
પાયલોટને રનવે કેમ દેખાયો નહીં ? પ્રાથમિક તપાસમાં પાયલોટે રન વે ના આંકલનમાં ચૂક કર્યાની
સંભાવના છે. દિવંગત અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તેના માલિક તરફથી
એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
લિયરજેટ-4પના
માલિક વીકે સિંહે કહ્યું કે પાઇલટ રનવે ચૂકી ગયા હતા. તેમણે મિસ્ડ અપ્રોચ કર્યો હતો.
વીકે સિંહે કહ્યું કે શરૂઆતમાં એવું લાગે છે કે જો પાઇલટ લેન્ડિગમાં આરામદાયક ન હોય
તો તેઓ મિસ્ડ અપ્રોચ અપનાવે છે. તે એક પ્રમાણભૂત પ્રક્રિયા છે જે પાઇલોટ્સ દ્વારા કરવામાં
આવે છે જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટ એપ્રોચ દરમિયાન લેન્ડિંગ સુરક્ષિત રીતે પૂર્ણ કરી શકાતું
નથી જેને ગો-અરાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
લિયરજેટ
વિમાને બુધવારે સવારે ગો-અરાઉન્ડ કરવું પડયું હતું. જેનો અર્થ છે કે વિમાન બારામતીમાં
સફળ ઉતરાણ કરવામાં અસમર્થ હતું. પછી ઉતરાણ કરવાની પરવાનગી અપાઈ તો પાયલોટે એટીસીને
કોઈ રીડ-બેક આપ્યું ન હતું અને તેના થોડા સમય પછી રનવેની બાજુમાં વિમાન ક્રેશ થયું
હતું.