• શનિવાર, 31 જાન્યુઆરી, 2026

આર્થિક સરવે: 2027માં 7.2 ટકા GDPનું અનુમાન

મોંઘવારીમાં ધીમા વધારાની ભીતિ :   દેશમાં 56.2 કરોડ રોજગારનો દાવો : ખેતીનો વિકાસદર 3.1 ટકા રહી  શકે છે : પહેલી વખત અઈં માટે  આર્થિક સરવેમાં અલગ ચેપ્ટર

નવી દિલ્હી, તા. 29 : ભારતીય અર્થવ્યવસ્થાનો વાર્ષિક હિસાબ કિતાબ ‘આર્થિક સર્વેક્ષણ 2026’ 29મી જાન્યુઆરીના રોજ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પહેલા લોકસભા અને પછી રાજ્યસભામાં આર્થિક સરવે રજૂ કર્યો હતો. ત્યારબાદ બન્ને સદનને પહેલી જાન્યુઆરી સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. આર્થિક સરવે અનુસાર નાણાકીય વર્ષ 2026-27માં દેશની અર્થવ્યવસ્થા 6.8 ટકાથી 7.2 ટકાની રફતારથી વધવાની સંભાવના છે. આ ઉપરાંત નવા નાણાકીય વર્ષમાં મોંઘવારીમાં ધીમા વધારાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સાથે ઘરેલુ વૃદ્ધિને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમજ અસ્થાયી કામદારોનાં કામ સંબંધિત શરતો માટે  પોલિસી જરૂરી હોવાનો ઉલ્લેખ થયો છે.

નોકરીના ક્ષેત્રે સર્વે નોંધે છે કે 2026ના નાણાંવર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા એપ્રિલથી જૂન 2025 દરમ્યાન ભારતમાં 15  વર્ષમાં સૌથી વધુ 56.2 કરોડ લોકો પાસે રોજગાર હતો.

કંપનીઓની જરૂરત અને યુવાનોના કૌશલ્ય વચ્ચેનું અંતર ઘટાડવું પડશે, જેના માટે શાળાઓમાં વ્યાવસાયિક તાલીમો આપવાનું સૂચન સર્વેમાં કરાયું છે.

આર્થિક સર્વેમાં ભારપૂર્વક કહેવાયું હતું કે, 2026ના નાણાંવર્ષમાં કૃષિ ક્ષેત્રનો વિકાસદર 3.1 ટકા રહેવાની આશા છે.

આર્થિક સર્વેક્ષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે, 2024-25માં અનાજનું ઉત્પાદન 3320 લાખ ટનના વિક્રમી સ્તર પર પહોંચી ગયું છે.

સરકારનું ધ્યાન હવે ખેતપેદાશોનું ઉત્પાદન વધારવા પર નહીં, પરંતુ કિસાનોની આવક સુરક્ષિત કરવા સાથે શ્રેષ્ઠ સંગ્રહની સુવિધાઓ વિકસાવવા પર પણ છે, તેવું સીતારામને કહ્યું હતું.

સરવેમાં સૌથી સારી ખબર અર્થવ્યવસ્થાને લઈને છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષના ત્રણ ત્રિમાસિક ગાળામાં અમેરિકી ટેરિફની અસર એક્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર પડવા છતાં વિકાસની રફતાર યથાવત્ રહી છે કારણ કે સરકાર તરફથી સતત ટેરિફનો પ્રભાવ ઘટાડવા પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

આર્થિક સર્વેક્ષણ 2025-26માં દેશની અર્થવ્યવસ્થાની મજબૂતીને રેખાંકિત કરવામાં આવી છે. સરવે અનુસાર નાણાકીય વર્ષ 2026નાં પહેલાં આગોતરા અનુમાનમાં ભારતનો જીડીપી ગ્રોથ 7.4 ટકા રહ્યો છે. જે મુખ્ય રીતે ઘરેલુ માગ મજબૂત રહેવાનું પરિણામ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તાર અને કર અનુશાસનમાં સુધારાનાં કારણે ભારતનો વિકાસ ટકાઉ બન્યો છે. નાણાકીય વર્ષ 2026માં રાજકોષીય ખાધ 4.8 ટકા રહી શકે છે. જે જીડીપી લક્ષ્યની અંદર છે.

આર્થિક સરવે અનુસાર ઘરેલુ માગ ભારતના વિકાસની સૌથી મોટી તાકાત છે. ગ્રામીણ અને શહેરી માગમાં સંતુલન જોવા મળી રહ્યું છે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં સતત રોકાણથી રોજગાર અને આવકના અવસર વધ્યા છે.

સરવેનું માનવામાં આવે તો વૈશ્વિક સ્તરે જોખમ છે. તેમ છતાં ભારત માટે તત્કાળ સંકટ ઉભું થઈ રહ્યું નથી. મજબૂત વિદેશી મુદ્રા ભંડાર, સ્થિર બેન્કિંગ સિસ્ટમ અને નીતિગત વિશ્વસનિયતા ભારત માટે સુરક્ષા કવચ બનેલા છે.

કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઉપર નિર્ભરતાનાં કારણે રૂપિયો અમુક હદે અંડર વેલ્યૂ છે પણ અમેરિકી ટેરિફના સમયમાં નબળો રૂપિયો અર્થતંત્ર માટે વધારે નુકસાનકારક નથી. જો કે મુદ્રા સ્થિરતા વધારવા માટે મેન્યુફેક્ચરિંગ એક્સપોર્ટમાં વૃદ્ધિ કરવી પડશે.

આ દરમિયાન આર્થિક સરવેમાં પહેલી વખત એઆઇ માટે અલગ ચેપ્ટર રાખવામાં આવ્યું હતું. એટલે કે નવી ટેક્નલોજી ઉપર આગામી સમયમાં પૂરતું ધ્યાન આપવામાં આવશે. આ સાથે સોના ચાંદીની કિંમતમાં સતત વધારા ઉપર પણ સરકારની નજર છે.

આ દરમિયાન આર્થિક સરવે ઉપર વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવ્યો હતો અને વડાપ્રધાન મોદી દ્વારા પાખંડનો સંદેશ અપાયો હોવાનું કહ્યું હતું. 

ઇ શ્રમ પોર્ટલ ઉપર 31 કરોડથી વધુ શ્રમિકની નોંધણી

સરવે અનુસાર જાન્યુઆરી 2026 સુધીમાં ઇ શ્રમ પોર્ટલ ઉપર અસંગઠિત ક્ષેત્રના 31 કરોડથી વધારે વર્કર રજિસ્ટર થઈ ચૂક્યા છે. જેમાં 54 ટકા મહિલા છે. વધુમાં કહેવામાં આવ્યું છે કે વિકસીત ભારત-રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) એક્ટ, મનરેગાનો એક મોટો સુધારો છે. જેનો હેતુ ગ્રામીણ રોજગયારને વિકસીત ભારત 2024ના વિઝન અનુરૂપ બનાવવાનો છે.

ઇન્સેન્ટિવ સ્કીમ મારફતે બે લાખ કરોડથી વધુનું રોકાણ

સરવેમાં કહેવામાં આવ્યું છે કે સપ્ટેમ્બર 2025 સુધીમાં પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટીવ સ્કીમ હેઠળ 14 ક્ષેત્રમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધારેનું વાસ્તવિક રોકાણ આવ્યું છે. જેનાથી 18.7 લાખ કરોડ રૂપિયાથી વધારેનું ઉત્પાદન કે વેચાણ થયું છે. સાથે જ 12.6 લાખથી વધારે રોજગારનું સર્જન થયું છે. આ ઉપરાંત ભારત સેમીકંડક્ટર મિશન હેઠળ અંદાજિત 1.60 લાખ કરોડ રૂપિયાના રોકાણના 10 પ્રોજેક્ટથી ક્ષમતા મજબૂત થઈ છે.

ડિસેમ્બર 2025 સુધી 21.6 કરોડ ડીમેટ એકાઉન્ટ

નાણાકીય વર્ષ 2025-26માં ડિસેમ્બર 2025 સુધીમાં 2.35 કરોડ નવા ડીમેટ એકાઉન્ટ જોડાયા છે. જેનાથી કુલ સંખ્યા 21.6 કરોડથી વધુ થઈ છે. સપ્ટેમ્બર 2025માં યુનિક ઇન્વેસ્ટર્સની સંખ્યા 12 કરોડને પાર પહોંચી છે. જેમાં 25 ટકા મહિલાઓ છે. 16 જાન્યુઆરી, 2026 સુધીમાં વિદેશી મુદ્રા ભંડાર 701.4 અબજ ડોલર થયો છે.

માર્ચ 2025 સુધી 55 કરોડ જનધન એકાઉન્ટ

આર્થિક સરવે અનુસાર જનધન યોજના હેઠળ માર્ચ 2025 સુધીમાં 55.02 કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે. જેમાંથી 36.63 કરોડ ખાતા ગ્રામીણ અને અર્ધ શહેરી ક્ષેત્રોમાંથી હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક