• શનિવાર, 07 માર્ચ, 2026

રાંધણગેસ અછતની આશંકા : ઉત્પાદન વધારવા આદેશ

ઇઝરાયલ-ઇરાન યુદ્ધ લંબાતાં અછતનાં એંધાણ : તમામ રિફાઇનરીને એલપીજી ઉત્પદાન વધારવા આદેશ : પ્રોપેન, બ્યુટેન માત્ર ગેસ બનાવવા માટે

નવી દિલ્હી, તા. 6 : ઇઝરાયલ અને ઇરાનનું યુદ્ધ લાંબું ચાલશે તો ભારતમાં ઇંધણની અછત અકળાવશે. આ જોખમને ગંભીરતાથી ધ્યાને લેતાં કેન્દ્ર સરકારે દેશમાં રાંધણગેસ કટોકટી ઘોષિત કરી દીધી હતી. મોદી સરકારે દેશની તમામ ઓઇલ રિફાઇનરીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપી દીધો છે. મધ્ય-પૂર્વમાં વધતી તાણનાં પગલે ગેસના પુરવઠાને અસર થઇ શકે છે.

આ ખતરાને નજર સામે રાખતાં સરકારે ગઇકાલે ગુરુવારની રાત્રે આદેશ જારી કરીને રાતોરાત રાંધણગેસ કટોકટી જાહેર કરી દીધી હતી.

સરકારે આદેશમાં રિફાઇનરી કંપનીઓને તેમની પાસે ઉબલબ્ધ પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ માત્ર રાંધણગેસ બનાવવા માટે જ કરવાની સૂચના આપી હતી. તમામ કંપનીઓએ પ્રોપેન અને બ્યુટેન સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપીસીએલ) અને ભારત પેટ્રોલિયમ (બીપીસીએલ)ને આપવા પડશે.

દેશના લગભગ 33.2 કરોડ સક્રિય એલપીજી ગ્રાકોને કોઇ પણ જાતના અવરોધ વગર ગેસ સિલિન્ડર મળતા રહે તેવા હેતુ સાથે સરકારે આ નિર્ણય લીધો છે. સરકારના આ ફેંસલાની અસર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિત ખાનગી ક્ષેત્રની કંપનીઓ પર પડશે. કંપનીઓના નફાનો ગાળો ઘટી શકે છે.  પ્રોપેન અને બ્યુટેનનો  ઉપયોગ રાંધણગેસ ઉત્પાદન પૂરતો સીમિત થઇ જવાથી અલ્કાઇલેટ્સ ઉત્પાદનમાં ઘટાડો થશે, જેનો ઉપયોગ પેટ્રોલનું ગ્રેડિંગ સુધારવામાં કરાય છે.

સરકારે તમામ રિફાઇનરીઓને સ્પષ્ટ આદેશ આપી દીધો હતો કે, હાલ તુરત વિવિધ પેટ્રો પેદાશોનાં ઉત્પાદન માટે આ ગેસોનો ઉપયોગ જરા પણ ન કરે.

ઉદ્યોગ જગતના જાણકારોએ જણાવ્યું હતું કે, પ્રોપેન અને બ્યુટેનનો પેટ્રોકેમિકલ્સનાં સ્થાને માત્ર રસોઇગેસ બનાવવામાં ઉપયોગ થવાથી કંપનીઓના નફા પર અસર પડશે.

-----------------

રશિયા પાસેથી કાચું તેલ ખરીદી શકશે ભારત

ઇરાન સાથે યુદ્ધનાં કારણે અમેરિકાની 30 દિવસની છૂટ

અમેરિકી નાણામંત્રી બેસેંટ બોલ્યા : ભારત અમારું મહત્ત્વનું ભાગીદાર

નવી દિલ્હી, તા. 6 : ભારતમાં  પેટ્રોલ અને ડીઝલના ભાવવધવાનું સંકટ હાલ ટળી ગયું છે. ઇરાન સાથે યુદ્ધનાં કારણે અમેરિકા તરફથી ભારતને રૂસી તેલ ખરીદીની શરતી છૂટ મળી ગઇ છે.

અમેરિકી તિજોરી વિભાગે ભારતીય રિફાઇનરીઓને  30 દિવસનો વિશેષ પરવાનો આપ્યો છે. આ છૂટનો લાભ ત્રીજી એપ્રિલ સુધી રહેશે.

ભાજપે આ છૂટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં તેલ કૂટનીતિની સફળતા લેખાવતાં કહ્યું હતું કે, આ ‘ભારત વિરોધી’ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મોઢાં પર તમાચો છે. કેસરિયા પક્ષના પ્રવકતા પ્રદીપ ભંડારીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર તેલની અછતના બોગસ સમાચારોથી દહેશત ફેલાવવાનો આરોપ મૂકયો હતો.

અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેંટે શુક્રવારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઊર્જા એજન્ડા હેઠળ આ પગલું લેવાયું છે. ભારત અમેરિકાનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર છે અને વૈશ્વિક બજારમાં તેલનો પુરવઠો સ્થિર રાખવા માટે આ છૂટ અપાઇ છે, તેવું તેમણે જણાવ્યું હતું. બેસેંટે જણાવ્યું હતું કે, ઇરાન વૈશ્વિક ઊર્જા બજારને બંધક બનાવવાની કોશિશ કરી રહ્યું છે. આ દબાણને ઓછું કરવા માટે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદીની છૂટ અપાઇ છે.

એવી આશા છે કે, આ છૂટ બાદ ભારત અમેરિકી તેલ ખરીદીમાં પણ તેજી લાવશે. આ ઉપાયથી વૈશ્વિક બજારમાં તેલની અછત નહીં થાય તેવું તેમણે  ઉમેર્યું હતું. જો કે, એક મોટી શરત એવી પણ છે કે, પાંચમી માર્ચ સુધી જહાજો પર લોડ થઇ ચૂકેલા રશિયાના કાચાં તેલની જ ડિલિવરી ભારતને કરી શકાશે. દરમ્યાન, ઇરાન યુદ્ધની અસર પર ભારતના સંરક્ષણમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, અત્યારની અનિશ્ચિતતા અર્થવ્યવસ્થા પર સીધી અસર કરી શકે છે.

---------

ઓસ્ટ્રેલિયા, કેનેડા સહિતનાં દેશોમાંથી પણ ભારતને ઓઈલ અને ગેસની ઓફર

નવી દિલ્હી, તા.6: મધ્યપૂર્વમાં યુદ્ધનાં ઘમસાણનાં કારણે દુનિયામાં ઓઈલની અફરાતફરી મચેલી છે. ભારત પણ અખાતનાં દેશોમાંથી ઓઈલની મોટાપાયે આયાત કરતું હોવાથી સંકટ પેદા થવાની આશંકા હતી પણ ભારત સરકાર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, દેશ પાસે પૂરતા પ્રમાણમાં અનામત પુરવઠો ઉપલબ્ધ છે. આ સાથે જ રશિયા સહિતનાં દેશોમાંથી ભારતને ઓઈલની આપૂર્તિ માટે ઓફરો પણ મળવા લાગી છે. ભારતનાં સરકારી સૂત્રોનાં કહેવા અનુસાર પશ્ચિમ એશિયામાં વધતા તનાવ વચ્ચે ભારત અન્ય દેશો પાસેથી ઊર્જાની ખરીદી કરવા માટે વિચારી રહ્યું છે. આ ક્રમમાં ઓસ્ટ્રેલિયા અને કેનેડાએ પણ ભારતને ગેર પુરવઠો આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. ભારત 19પ મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર ગેસની આયાત કરે છે અને તેમાંથી મોટો હિસ્સો કતારથી આવે છે. ત્યાંથી હાલનાં તબક્કે પુરવઠો ખોરવાઈ જવાની આશંકાને પગલે ઓસ્ટ્રેલિયા અને કેનેડા આગળ આવ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ડે/નાઇટ ટેસ્ટમાં ભારતીય મહિલા ટીમ 198 રને ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાના 3 વિકેટે 96 : હજુ 102 રન પાછળ March 07, Sat, 2026