• શુક્રવાર, 06 માર્ચ, 2026

રાજકોટમાં મેટોડા GIDC નજીક સર્જાયેલા અકસ્માતમાં બે સગાભાઈ સહિત 4નાં મૃત્યુ

ધુળેટી પર્વની પૂર્વ રાત્રીએ ટ્રકે રિક્ષાને અડફેટે લેતા સર્જાયેલી કરુણાંતિકા : નાસી છૂટેલા ટ્રકચાલકને પોલીસે દબોચી લીધો

(ફૂલછાબ ન્યુઝ)

રાજકોટ તા.5 : રાજકોટમાં ધુળેટી પર્વની પૂર્વ રાત્રીએ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ટ્રકે રિક્ષાને અડફેટે લેતા બે સગા ભાઈઓ તેમજ રિક્ષાચાલક યુવાન સહિત 4 લોકોના મૃત્યુ નિપજ્યાં હતાં. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી જતાં પોલીસે ગણતરીની કલાકોમાં જ તેને દબોચીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલી મેટોડા જીઆઈડીસી ગેઇટ નંબર 3માં આવેલા યુનિવર્સલ ટેક્નોકાસ્ટ નામના કારખાના નજીક રાત્રિના 10 વાગ્યે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં જીજે.03.બીવાય.8889 નંબરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા જીજે.03.બીએક્સ.5656 નંબરની રિક્ષાનો બુકડો બોલી ગયો હતો.

આ ગમખ્વાર અકસ્માતમાં બે સગા ભાઈઓ, એક શ્રમિક કે જેઓ રિક્ષામાં મુસાફર તરીકે બેઠા હતા, રિક્ષાચાલક સહિત તેમના પણ મૃત્યુ નિપજ્યા છે. બન્ને ભાઈઓના નામ વિશાલ સવસીભાઈ ગાંગડિયા અને વિજય સવસીભાઇ ગાંગડિયા હોવાનું તેમજ મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા રોટરી કલબ નજીક બન્ને રહેતા હોવાનું સામે આવ્યું છે. મૂળ તેઓ સુરેન્દ્રનગરના વતની હતી અને  મેટોડા અને આસપાસમાં પેઇન્ટિગ કામ કરતા હતા. અન્ય એક શ્રમિકની ઓળખ મેળવવા માટે પોલીસ તપાસ હાથ ધરી છે.

મૃતક રિક્ષાચાલકનું નામ સુનિલ અશ્વિનભાઈ વરાણીયા (ઉ.વ.28) હોવાનું બહાર આવ્યું છે જે મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મચ્છોનગરમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. બનાવ અંગેની જાણ થતાં જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, ડીવાયએસપી કે.જી.ઝાલા સહિત મેટોડા પોલીસ તેમજ એલસીબી ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસે ચારેય મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માત અંગે ગુનો નોંધવા તેમજ અકસ્માત સર્જી નાસી છૂટેલા ઓખાના રહેવાસી ટ્રક ચાલક બંસીભારતી બટુકભારતી ગોસ્વામીને ગણતરીની કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક