મુંબઇ, તા.3: ટી-20 વિશ્વ કપના બીજા સેમિ ફાઇનલમાં પાંચ માર્ચ-ગુરુવારે ખિતાબની પ્રબળ દાવેદાર ભારતીય ટીમ વિરુદ્ધ ઇંગ્લેન્ડની ટક્કર થશે. ત્યારે વર્તમાન વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર ખિતાબ બચાવવાનું એક અલગ દબાણ હશે. ઇંગ્લેન્ડની બાધા કેમ પાર પાડવી એ તો અલગ પડકાર છે જ. ટીમ ઇન્ડિયાનું વિશ્વ કપ અભિયાન યોજના મુજબ ચાલી રહ્યું નથી. અણીના સમયે ટીમની બોલિંગ-બેટિંગ-ફિલ્ડીંગ લથડતી જોવા મળી છે. ટી-20 ફોર્મેટમાં મેચનો નકશો કયારે પણ બદલી જતો હોય છે. આથી સંઘભાવનાથી દેખાવ કરવો જરૂરી હોય છે. જે દેખાવ સૂર્યકુમારની ટીમ પાછલા વેસ્ટ ઇન્ડિઝ સામેના નિર્ણાયક મેચમાં કરી શકી ન હતી, જો કે સંજૂ સેમસને એકલવીર બની ટીમની સેમિ ફાઇનલ ટિકિટ બૂક કરાવી આપી હતી. હવે ટીમ ઇન્ડિયાએ ઓવર કોન્ફીડન્સમાંથી બહાર આવી પ્રભાવશાળી દેખાવ કરવો પડશે.
બીજી
તરફ ઇંગ્લેન્ડ ટીમ તેના ટોપ ઓર્ડર બેટર્સની નિષ્ફળતા છતાં સુપર-8 રાઉન્ડના ગ્રુપ-બેમાં
અપરાજિત રહી સેમિ ફાઇનલમાં પહોંચી છે. ઇંગ્લેન્ડની તાકત હંમેશાં બેટર્સ અને ફાસ્ટર્સ
રહ્યા છે, પણ આ વખતે સ્પિનર્સ તેના ટ્રમ્પ કાર્ડ બન્યા છે. હવે હેરી બ્રુકની ટીમ સામે
ટીમ ઇન્ડિયાની મજબૂત બેટિંગ લાઇનઅપ પર અંકુશ મુકવાનો પડકાર છે.
ટી-20
ફોર્મેટમાં ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાનું પલડું ભારે રહ્યું છે. ઇતિહાસ ભારત સાથે
ઉભો છે. શું ઇંગ્લેન્ડ સેમિ ફાઇનલમાં કહાની પલટાવશે ? બન્ને ટીમ વચ્ચે ટી-20 વર્લ્ડ
કપમાં આ સતત ત્રીજો સેમિ ફાઇનલ મુકાબલો છે. 2022માં ઈંગ્લેન્ડનો 10 વિકેટે વિજય થયો
હતો. જયારે 2024માં ભારતનો 68 રને વિજય થયો હતો. બન્ને વખતે વિજેતા ટીમ ચેમ્પિયન બની
હતી. આ વખતે આ ઈતિહાસનું પુનરાવર્તન થશે કે નહીં તે તો સમય જ બતાવશે.
વાનખેડે
સ્ટેડિયમની સપાટ પીચ અને ટૂંકી બ્રાઉન્ડ્રીને લીધે ચોક્કા-છક્કાની રમઝટ જોવા મળી શકે
છે. ભારત માટે ચિંતાનું કારણ અભિષેક શર્મા છે. જે વર્લ્ડ કપમાં કલીક થયો નથી. વાનખેડે
સ્ટેડિયમની સપાટ પિચ પર તેની પાસે ફોર્મ વાપસીનો સારો મોકો છે. સંજૂ સેમસન તેનું ફોર્મ
યથાવત્ રાખવા માગશે. મિસ્ટ્ર સ્પિનર વરૂણ ચક્રવર્તી પ મેચમાં 14 વિકેટ લઇ ચૂક્યો છે.
સેમિ ફાઇનલમાં ભારતીય ઇલેવનમાં ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવની એન્ટ્રી અર્શદીપના સ્થાને
થઇ શકે છે. કારણ કે ઈંગ્લેન્ડના બેટર્સની નબળાઇ સ્પિનર્સનો સામનો કરવો છે. ઇંગ્લેન્ડ
ઇલેવનમાં આઉટ ઓફ ફોર્મ જોસ બટલરના સ્થાને બેન ડકેટને તક મળી શકે છે. જો કે ટીમ પાસે
બીજો કોઇ નિયમિત વિકેટકીપર નથી. આથી આ વિકલ્પની ભરપાઇ કેપ્ટન હેરી બ્રુકે કરવી પડે
કારણ કે તે નેટમાં ઘણીવાર ગ્લોવ્સ સાથે જોવા મળ્યો છે.