પૂર્વ રાજદૂત તરનજીતસિંહ સંધૂ દિલ્હીના ઉપરાજ્યપાલ : બંગાળમાં આરએન રવિ નવા રાજ્યપાલ
નવી
દિલ્હી, તા. 6 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગુરુવારે રાત્રે દેશના નવ રાજ્ય અને કેન્દ્ર
શાસિત પ્રદેશમાં મોટાપાયે રાજ્યપાલ અને ઉપરાજ્યપાલની નિયુક્તિ કરી હતી. આ ફેરબદલ એવા
સમયે થઈ છે જ્યારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે દિવસે રાજીનામું આપ્યું
હતું. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાહેર અધિસૂચના અનુસાર દિલ્હી, બિહાર, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર,
તેલંગણ, હિમાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લદ્દાખ અને તમિલનાડુમાં નવા ચહેરા નિયુક્ત કરવામાં
આવ્યા છે, અથવા તો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.
દિલ્હીમાં
પૂર્વ રાજદૂત તરનજીતસિંહ સંધૂને નવા ઉપરાજ્યપાલ બનાવાયા છે. બિહારના નવા રાજ્યપાલ લેફ્ટનન્ટ
જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈન બન્યા છે. જે સેનામાં પોતાની સેવાઓ માટે જાણિતા છે.
પશ્ચિમ બંગાળમાં તમિલનાડુના પૂર્વ રાજ્યપાલ આરએન રવિને નવી જવાબદારી સોંપવામાં આવી
છે. આ નિયુક્તિ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી માટે ચોંકાવનારી છે. જેઓએ કહ્યું હતું
કે ગૃહ મંત્રી શાહે તેમને ફોન કરીને રાજ્યપાલ અંગે જાણકારી આપી હતી અને પરંપરા અનુસાર
કોઈ સલાહ લેવામાં આવી નહોતી.
મહારાષ્ટ્રને
તેલંગણના પૂર્વ રાજ્યપાલ જિષ્ણુ દેવ વર્મા મળ્યા છે જ્યારે તેલંગણમાં હવે હિમાચલ પ્રદેશના
પૂર્વ રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા ગવર્નર હશે. હિમાચલ પ્રદેશમાં લદ્દાખના પૂર્વ ઉપરાજ્યપાલ
કવિંદર ગુપ્તાને રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. નાગાલેન્ડના નવા રાજ્યપાલ નંદ કિશોર
યાદવ રહેશે. લદ્દાખમાં દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેસના નવા એલજી નિયુક્ત
થયા છે. તમિલનાડુમાં કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને વધારાનો પ્રભાર
આપવામાં આવ્યો છે.