ખંભાળિયા,
તા.5: દ્વારકા જગત મંદિરના દર્શને આવતા યાત્રિકોને નિશાન બનાવી લૂંટ ચલાવતી એક ટોળકીએ
ગઇકાલે હોળી-ધૂળેટીના તહેવાર દરમિયાન યાત્રિકોને નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી, તેમની
પાસેથી સોનાના ઘરેણાં અને રોકડ રકમની લૂંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
મૂળ
જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના અને હાલ મજૂરી કામ કરતા રૂડાભાઈ હાજાભાઈ મુંધવા નામના
વ્યક્તિએ દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ તેઓ ગઇકાલે સવારે
10:00 વાગ્યાની આસપાસ દ્વારકા ચોપાટી પાસે દર્શન કરી રહ્યા હતા. ત્યારે આશરે 25થી
30 વર્ષની વયના બે અજાણ્યા શખ્સોએ તેમનો સંપર્ક કર્યો હતો. આ શખસ ફરિયાદી અને તેમના
સાથીદારને વિશ્વાસમાં લઈ દિવાદાંડી પાસે આવેલા ગણપતિના મંદિર પાસે લઈ ગયા હતા. ત્યાં
આર.સી.સી. રોડની પાળી પાસે બેસીને આ શખ્સએ ફરિયાદીને શેરડીના રસમાં કોઈ નશીલો પદાર્થ
ભેળવીને પીવડાવી દીધો હતો. રસ પીધા બાદ ફરિયાદી અને તેમના સાથીદાર બેભાન થઈ ગયા હતા.
ફરિયાદી બેભાન અવસ્થામાં હતા ત્યારે તકનો લાભ લઈ બન્ને અજાણ્યા શખસોએ ફરિયાદીના કાનમાં
પહેરેલા આશરે પોણા બે તોલા સોનાના થોરીયા (કિંમત આશરે રૂ. 1,60,000) તેમજ ખિસ્સામાં
રહેલી રોકડ રકમ રૂ.35000 ની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા. આ ઘટના અંગે દ્વારકા પોલીસ
સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમીદારોની મદદથી આ લૂંટારૂ
ટોળકીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.