• બુધવાર, 04 માર્ચ, 2026

વાનખેડે સ્ટેડિયમ પર ગુરુવારે રાત્રે સન્નાટો હશે : સેમ કરન

ભારત સામેના સેમિ ફાઇનલમાં ઈંગ્લેન્ડની જીતનો દાવો કરતો ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર

મુંબઇ, તા.3: ટી-20 વર્લ્ડ કપના ભારત સામે ગુરુવારે રમાનાર સેમિ ફાઇનલ મેચ અગાઉ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કરને વાનખેડે સ્ટેડિયમની પીચ પર તેની ટીમનો હાથ ઉપર રહેશે. સેમ કરને એવો દાવો કર્યો કે ગુરુવારની રાત્રી વાનખેડે સ્ટેડિયમ પર શાંત જોવા મળશે કારણ કે ભારતીય ટીમ હારી રહી હશે. જો કે કરને સ્વીકાર્યું કે ભારતીય ટીમ મજબૂત છે અને તેને પરાસ્ત કરવા માટે અમારે તમામ મોરચે શાનદાર દેખાવ કરવો પડશે.

સેમ કરને આજે ઇંગ્લેન્ડના અભ્યાસ સત્ર દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે ભારત સામે અને ભારતમાં રમવાનો અનુભવ ધરાવીએ છીએ. અમારી ટીમ સારો દેખાવ કરશે તેવો વિશ્વાસ છે. આ મેદાન પર અમારા ખેલાડી ઘણું ક્રિકેટ રમી ચૂક્યા છે. એટલે અહં છૂપાવવા જેવું કંઈ નથી. કરનનું માનવું છે કે ભૂતકાળનું પ્રદર્શન મહત્ત્વ ધરાવતું નથી. સેમિ ફાઇનલમાં અમે પરફેકટ ગેમ રમશું. મને વિશ્વાસ છે કે ગુરૂવારની રાત સ્ટેડિયમમાં શાંત હશે. અમે કોઇ ચીજથી ભયભીત નથી. બન્ને ટીમ સેમિ ફાઇનલને લઇને રોમાંચિત છે.

વાનખેડે સ્ટેડિયમ પર આજે ઇંગ્લેન્ડના મોટા ભાગના ખેલાડીઓએ જોરદાર પ્રેકટિસ કરી હતી. આ દરમિયાન મુંબઇના કેટલાક લોકલ સ્પીન બોલરોને પણ નેટમાં બોલાવ્યા હતા.

જોસ બટલરના ખરાબ દેખાવ પર સેમ કરને જણાવ્યું હતું કે જોસ અનુભવી ખેલાડી છે. તે નોકઆઉટ મેચમાં વાપસી કરવાનું જાણે છે. સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડની ઇલેવન વિષેના સવાલ પર સેમ કરને કહ્યું કે ગુરુવારે ટોસ પહેલા પીચની સ્થિતિ બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક