• મંગળવાર, 24 માર્ચ, 2026

જામનગરમાં રાજકીય ગેંગવોર : વસઈ પાસે પૂર્વ કોર્પોરેટરની કાર પર ફાયારિંગ

આરોપી પૂર્વ કોર્પોરેટર પોલીસ સકંજામાં : હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

(ફૂલછાબ ન્યુઝ)

જામનગર, તા.23 : જામનગર શહેરમાં રાજકીય ગરમાવો હવે હિંસક વળાંક લઈ રહ્યો છે. મોડી રાત્રે જામનગર નજીક આવેલાં વસઈ ગામ પાસે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની જૂની રાજકીય અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મળતી વિગતો મુજબ, વિરોધ પક્ષના પૂર્વ નેતા અને કોર્પોરેટર પર કારમાં આવેલા શખસોએ અંધાધૂંધ ગોળીબાર કરી જાનલેવા હુમલો કર્યો હતો.

પૂર્વ કોર્પોરેટર અસલમ ખીલજી (જેઓ તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે) મોડી રાત્રે વસઈ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ હિંસક ઘટના બની હતી. હુમલાખોરોએ સૌપ્રથમ તેમની કાર પર રિવોલ્વરમાંથી ફાયારિંગ કર્યું હતું અને ત્યારબાદ કારને આંતરીને તેમાં સવાર ત્રણ યુવાન પર લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં ત્રણ યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફરિયાદી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ હુમલો રાજકીય રાગદ્વેષનાં કારણે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સૂત્રધાર તરીકે અલ્તાફ ખફી,અને તેની સાથે આવેલા અનવર ઉર્ફે અન્ના ગફ્ફાર ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, તબરેજ, મહેબૂબ ખફી, મોસીન પચાસિયો, હનીફ મુસા ખફી, હુસેન બોદુ ખફી, હમીદ જાનમામદ ઉર્ફે રાંઝો અને બીજા અજાણ્યા 5થી 6 અજ્ઞાત શખસ જેઓ કારમાં આવ્યા હતા. તમામ વિરુદ્ધ  જામનગર સિટી બી-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં મુખ્ય આરોપી અલ્તાફ ખફીની ધરપકડ કરવામાં આવી છે અને અદાલતે તેના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઘટનાને પગલે જામનગરના સંવેદનશીલ વિસ્તારો જેવા કે કાલાવડ નાકા અને પટણીવાડમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી પરિસ્થિતિ નિયંત્રણમાં રહે.

ઇ-પેપરના નવા શુલ્ક