• શુક્રવાર, 27 માર્ચ, 2026

હોર્મુઝ બાદ મંદેબ સ્ટ્રેટ બંધ કરવા ઈરાનની ધમકી

ઈરાની મીડિયામાં સૈન્ય અધિકારીઓએ કહ્યું, જો અમેરિકા  હોર્મુઝ કે

            ખાર્ગમાં સૈનિકો ઉતારશે તો ‘આંસુઓનો દ્વાર’ બંધ થશે

મંદેબ સ્ટ્રેટ બંધ થતા 1 ટ્રિલિયન ડોલરના ગ્લોબલ ટ્રેડ ઉપર જોખમ

નવી દિલ્હી, તા. 26 : હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર અંગે દુનિયાભરમાં ચિંતા બનેલી છે અને તેવામાં હવે બાબ અલ મંદેબ સ્ટ્રેટ મુશ્કેલીનું નવું કારણ બની શકે છે. ઈરાને હવે બાબ અલ મંદેબ સ્ટ્રેટને પણ બંધ કરવાની ધમકી આપી છે. ઈરાની મીડિયાએ ઈરાનના રક્ષા અધિકારીઓના હવાલાથી કહ્યું હતું કે જો અમેરિકાએ હોર્મુઝ કે ખાર્ગ દ્વીપ ઉપર પોતાના સૈનિકોને ઉતાર્યા તો ઈરાન નવા એક સ્ટ્રેટને બંધ કરી શકે છે.

બાબ અલ મંદેબ એક મહત્ત્વનો સમુદ્રી માર્ગ છે. જે 20 માઈલ પહોળો છે અને રેડ સીને અદનની ખાડી તેમજ હિંદ મહાસાગર સાથે જોડે છે. આ દુનિયાનો મહત્ત્વનો વ્યાપારીક રસ્તો છે કારણ કે અહિંયાથી અંદાજીત 12 ટકા ગ્લોબલ ટ્રેડ થાય છે. આ સ્ટ્રેટને ગેટ ઓફ ટીયર્સ એટલે કે આંસુઓનો દ્વાર પણ કહેવાય છે. બાબ અલ મંદેબનો રસ્તો  જહાજો માટે મુશ્કેલીભર્યો હોવાના કારણે તેનું નામ ગેટ ઓફ ટિયર્સ પડયું છે. આ સ્ટ્રેટ યુરોપ, એશિયા અને પશ્ચિમ એશિયા વચ્ચે વ્યાપાર, તેલ અને પ્રાકૃતિક ગેસ માટે સૌથી મહત્ત્વનો સમુદ્રી રસ્તો છે અને સુવેઝ નહેર મારફતે જોડાયેલો છે.

વિશેષજ્ઞોના કહેવા પ્રમાણે ઈરાન બા અલ મંદેબમાં જહાજો ઉપર સીધો હુમલો કરે તેવી સંભાવના ઓછી છે. ઈરાન હૂતીઓ મારફતે હુમલા કરાવી શકે છે. યમનના હૂતી સમુહ સાથે ઈરાનના નજીકના સંબંધ રહ્યા છે. 2023મા જ્યારે ઈઝરાયલ-હમાસ સંઘર્ષ ચરમસીમાએ હતો ત્યારે પણ હૂતીએ રેડ સીથી પસાર થનારા ઈઝરાયલી જહાજો ઉપર હુમલા કર્યા હતા. ત્યારે હૂતી વિદ્રોહીઓએ એન્ટી શિપ બેલેસ્ટિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જો ગેટવે ઓફ ટિયર બંધ થશે તો તેનાથી દુનિયામાં હાહાકાર મચી શકે છે. વિશેષજ્ઞો અનુસાર આ ઈરાનની થ્રી સ્ટેજ સ્ટ્રેટેજીનો ભાગ છે. પહેલા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવો, બીજું ઈઝરાયલને લેબેનોનમાં વ્યસ્ત રાખવું અને ત્રીજું બાબ અલ મંદેબનો રસ્તો બંધ કરવો. જો આ માર્ગ બંધ થશે તો વૈશ્વિક વ્યાપારનો 1 ટ્રિલિયન ડોલર એટલે કે 94 લાખ કરોડ રૂપિયા દાવ ઉપર લાગી જશે. બાબ અલ મંદેબ બંધ થતા જહાજોને પૂરું આફ્રિકા ફરીને કેપ ઓફ ગુડ હોપથી જવું પડશે. જેનાથી જે મુસાફરી 20-25 દિવસમાં પૂરી થતી હતી તેને પૂરી કરવામાં 30-40 દિવસ લાગી શકે છે. વધુમાં મોંઘવારી વધી શકે છે.

-----------------------

ઈરાનના નેવી ચીફનું ઈઝરાયલી હુમલામાં મૃત્યુ

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાસે નિશાન બન્યા : ઈઝરાયલી સેનાએ દાવો કર્યો

તેહરાન, તા. 26 : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ વધારે લોહિયાળ બની રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાંતિ વાર્તાના દાવા વચ્ચે ગુરુવારે ઈઝરાયલી સેના તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટ પાસે કરવામાં આવેલા હુમલામાં ઈરાની નેવી ચીફ અલીરેઝા તંગસિરીને મારી નાખવામાં આવ્યા છે. અલીરેઝા  28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા અમેરિકી અને ઈઝરાયલી હુમલા સામે સતત ઈરાની નૌસેનાની કમાન સંભાળી રહ્યા હતા. થોડા દિવસ પહેલા જ તેમણે હોર્મુઝને પૂરી રીતે બંધ કરીને દુશ્મનને મોટો ઝટકો આપવાની ધમકી આપી હતી.

ધ જેરુશલેમ પોસ્ટ અનુસાર ઈઝરાયલની સેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેમણે હોર્મુઝ નજીક ઈરાની પોર્ટ શહેર અબ્બાસને નિશાન બનાવ્યું હતું. આ સ્ટ્રાઈકમાં જ અલીરેઝાનું મૃત્યુ થયું છે. પશ્ચિમ એશિયાના  આ યુદ્ધમાં અલીરેઝાનું મૃત્યુ એક મહત્ત્વની ઘટના છે કારણ કે યુદ્ધ વધવાની સ્થિતિમાં તેમણે જ હોર્મુઝનો રસ્તો ઠપ કરી દેવાની ધમકી આપી હતી. આવી સ્થિતિમાં નૌકાદળની પ્રમુખ લીડરશીપનો ખાત્મો થવાથી રણનીતિક શૂન્યાવકાશની સ્થિતિ બની શકે છે કારણ કે અલીરેઝા 2018થી આ પદ સંભાળી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે બંદર અબ્બાસ, હોર્મુજની એકદમ નજીક છે. આ શહેર ઈરાન માટે રણનીતિક રૂપથી મહત્ત્વપૂર્ણ છે કારણ કે અમેરિકા સાથે યુદ્ધ વધવાની સ્થિતિમાં તેહરાન અબ્બાસ  શહેરથી જ હોર્મુઝને બંધ કરવાના પ્રયાસની સ્થિતિમાં છે.

------------------

ઈરાને સુપ્રીમ લીડર બનવા ઓફર આપી : ટ્રમ્પ

અમેરિકી રાષ્ટ્રપતિનો અજીબોગરીબ દાવો : ઈરાનને કહ્યું, સમજૂતી માટે ગંભીરતા બતાવે

વોશિંગ્ટન, તા. 26 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધીનો સૌથી અજીબ દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે, ઈરાન તેમને નવા સુપ્રીમ લીડર બનાવવા ઈચ્છતું હતું. એક રિપબ્લિકન કાર્યક્રમમાં ટ્રમ્પે આ દાવો કર્યો હતો કે જેની ખૂબ ચર્ચા શરૂ થઈ હતી. ટ્રમ્પે ઈરાનને વધુ એક ધમકી પણ આપી હતી.  જેમાં કહ્યું હતું કે ઈરાન સમજૂતી માટે જલ્દી ગંભીર નહી બને તો પછી પાછા વળવાનો કોઈ રસ્તો બચશે નહી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન તરફથી અમેરિકાની યુદ્ધ વિરામની માગણી ફગાવવામાં આવી છે. ટ્રમ્પે પાકિસ્તાન મારફતે યુદ્ધ વિરામની માગ અને પ્રસ્તાવો ઈરાન સુધી પહોંચાડયા હતા.

ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનની સમજૂતી કરવાની ખૂબ ઈચ્છા છે પણ તેઓ ડરી રહ્યા છે કારણ કે પોતાના જ લોકો મારી શકે છે. વધુમાં એવો ડર પણ છે કે અમેરિકાના હાથે મરાઇ જશે. દુનિયામાં કોઈપણ દેશના એવા કોઈ નેતા નહી હોય જે ઈરાનના પ્રમુખ બનવાથી બચવા માગતા હોય. જો કે પોતે ઈરાનના સર્વોચ્ચ નેતાના પદના પ્રસ્તાવ ઉપર ઈનકાર કર્યો હતો અને પોતાને ઈરાનના સર્વોચ્ચ લીડર બનવાની ઈચ્છા ન હોવાનો જવાબ આપ્યો હતો.

આ ઉપરાંત ટ્રમ્પે ઈરાનને નવી ધમકી પણ આપી હતી કે ગંભીર બનીને સમજૂતી કરી લેવામાં આવે, બાકી પાછા વળવાનો કોઈ રસ્તો રહેશે નહી. ટ્રમ્પે ચેતવણી આપી હતી કે સમય ઝડપથી વિતી રહ્યો છે. ટ્રૂથ સોશિયલમાં એક પોસ્ટ મારફતે ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના લોકો અજીબ છે. એક તરફ અમેરિકા સાથે સમજૂતીની ભીખ માગી રહ્યા છે તો બીજી  તરફ સાર્વજનિક રીતે કહી રહ્યા છે કે માત્ર અમેરિકી પ્રસ્તાવની  સમીક્ષા થઈ રહી છે.

ટ્રમ્પે આગળ કહ્યું હતું કે, ઈરાની સૈન્ય ક્ષમતા પુરી રીતે ખતમ થઈ ચૂકી છે અને તે ફરીથી મજબૂત થવાની કોઈ સંભાવના નથી. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાને જલ્દી ગંભીર બની જવું પડશે. જો સમજૂતીની તક હાથમાંથી નિકળી જશે તો પછી પાછા વળવાનો કોઈ રસ્તો રહેશે નહી.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક