• શુક્રવાર, 27 માર્ચ, 2026

ચીન જતા ઈરાનના એલપીજી ટેન્કરને ભારતે અધવચ્ચે ખરીદી લીધું

            સૂત્રો અનુસાર ઈરાની એલપીજી કાર્ગોની ડિલિવરીની ચુકવણી ભારતીય રૂપિયામાં થઈ

નવી દિલ્હી, તા. 26 : અમેરિકી પ્રતિબંધોના કારણે 2019થી થંભી ગયેલો ભારત-ઈરાન ઊર્જા વ્યાપાર ફરી એક વખત શરૂ થતો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા ક્રૂડ અને ગેસની કિંમતને નિયંત્રીત રાખવા માટે આપવામાં આવેલી 30 દિવસની વિશેષ છૂટ બાદ ઈરાનથી એલપીજી લઈને નીકળેલું એક ટેંકર ભારતના પશ્ચિમી તટે પહોંચવાનું છે.

શિપિંગ ડેટા અનુસાર અરોરા નામનું પ્રતિબંધિત ઈરાની જહાજ એલપીજી લઈ જઈ રહ્યું છે અને મેંગલુરુ પોર્ટે પહોંચવાની સંભાવના છે. આ કાર્ગો મૂળ ચીન માટે રવાના થયું હતું પણ બદલતી પરિસ્થિતિ વચ્ચે ભારત તરફ વળી ગયું હતું. સૂત્રો અનુસાર આ ખેપ એક ટ્રેડરના માધ્યમથી ખરીદવામાં આવી છે અને તેની ચુકવણી ભારતીય રૂપિયામાં કરવામાં આવશે.

ભારત વર્તમાન સમયે દશકોના સૌથી ગંભીર ગેસ આપૂર્તિ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એલપીજીનું દુનિયાનું બીજું સૌથી મોટું આયાતકાર હોવાના કારણે ભારત પોતાની 60 ટકા માગ આયાતથી પૂરી કરે છે. આ ખેપને ત્રણ પ્રમુખ સરકારી તેલ કંપની વચ્ચે વિતરીત કરી દેવામાં આવશે. એક તરફ સુત્રો દ્વારા ખરીદીની પુષ્ટિ કરવામાં આવી રહી છે તો બીજી તરફ સરકાર દ્વારા સાવધાની પણ રાખવામાં આવી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ઈરાનના કોઈપણ લોડેડ કાર્ગો અંગે જાણકારી મળી નથી.

ઇ-પેપરના નવા શુલ્ક