રાજકોટ રેલવે ડિવિઝને બે ટ્રેનને એક કરી વિન્ડમિલ નામનાં મથકથી પહેલીવાર દોડાવી
(ફૂલછાબ
ન્યૂઝ)
રાજકોટ,
તા. ર6 : પેસેન્જર અને ગૂડ્ઝ, બન્ને ક્ષેત્રમાં
રેલવેને દેશના પરિવહનની કરોડરજ્જુ કહેવાય છે. રાજકોટ રેલવે ડિવિઝને બે ગૂડ્ઝ ટ્રેનને
એક કરી 87 વેગનની લોંગ હોલ ‘મેગા ટ્રેન’ પ્રથમ વખત વિન્ડમિલ (જામનગર પાસેનું મથક)થી
અમદાવાદના કટાસણ સુધી 306 કિલોમીટરનું અંતર કાપીને પહોંચી હતી. 1 કિલોમીટરથી વધુ લંબાઈની
આ ટ્રેને રેલવેનો સમય, ખર્ચ અને મેનપાવર બચાવીને 40 લાખની આવક આપી હતી.
રાજકોટ રેલવે ડિવિઝને અગાઉ પણ મેગા ટ્રેનો દોડાવી
છે પરંતુ ગૂડ્ઝ ટ્રેનના લોડિંગ-અનલોડિંગનાં મુખ્ય મથકોમાંના એક વિન્ડમિલથી તેની પ્રથમ
લોંગ-હોલ ‘મેગા માલગાડી’નું સંચાલન કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે. 87 વેગન
ધરાવતી આ ટ્રેનને બે માલગાડીઓને જોડીને એક સિંગલ લોંગ-હોલ ટ્રેન તરીકે તૈયાર કરવામાં
આવી હતી.
રાજકોટ
શહેરમા 87 વેગનવાળી 1 કિલોમીટર કે તેથી વધુ લંબાઈની માલગાડીને કાલાવડ રોડ પર ઉભી રાખીએ,
તો કોટેચા ચોકથી જો ટ્રેનનું એન્જિન શરૂ થાય, તો તેનો છેલ્લો ડબ્બો મહિલા કોલેજ ચોક
અન્ડરબ્રિજ સુધી પહોંચશે. જો તમે કાલાવડ રોડ પર 40ની સ્પીડમાં ગાડી ચલાવતા હોવ, તો
આ ટ્રેનને આખી પસાર કરતા તમને લગભગ 1.5 મિનિટ જેટલો સમય લાગે.
લોંગ-હોલ
ટ્રેનને બે માલગાડીઓ (રેક) ને એકસાથે જોડીને તૈયાર કરવામાં આવી હતી જેમા પ્રથમ વિભાગ
45 કન્ટેનર વેગન અને દ્વિતીય વિભાગ 42 કવર્ડ વેગનનો રખાયો હતો. સંકલિત માળખાએ એક જ ફેરામાં વધુ જથ્થામાં માલસામાનના
પરિવહનને સક્ષમ બનાવ્યું હતું. જેનાથી ટ્રેન પાથની જરૂરિયાત ઘટી અને સંપત્તિનો બહેતર
ઉપયોગ સુનિશ્ચિત થયો.