• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ઈરાન-અમેરિકા વાટાઘાટ અનિશ્ચિત

-ટ્રમ્પની ધમકીઓ વચ્ચે પાક.માં બેઠકમાં સામેલ થવા ઈરાનનો ઈનકાર

-વેંસ આજે પહોંચશે ઈસ્લામાબાદ પણ ઈરાની પ્રતિનિધિ મંડળ જોડાશે કે નહીં તે મોટો સવાલ

નવીદિલ્હી,તા.21: પાકિસ્તાનની મધ્યસ્થતામાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી માટે વાટાઘાટો ઉપર અનિશ્ચિતતાનાં વાદળ ઘેરાયેલા છે. અમેરિકાનું પ્રતિનિધિમંડળ તો ઈસ્લામાબાદ પહોંચવાનું છે પણ હજીય ઈરાન આ બેઠકમાં સામેલ થશે કે નહીં તેનું રહસ્ય ઘેરાયેલું છે.

ઈરાની મીડિયાનાં અહેવાલો અનુસાર મુખ્ય વાટાઘાટકાર અને સંસદનાં સ્પીકર મોહમ્મદ બાઘેર ગાલિબાફ, વિદેશમંત્રી અરાઘચી અને તેમનાં ડેપ્યુટી હાલ ઈરાનમાં જ છે અને આ લોકો પાક. જવાનાં છે કે નહીં તેની કોઈ અધિકૃત પુષ્ટિ આવી નથી. બીજીબાજુ અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસ ભારતીય સમયાનુસાર આજે મોડી રાતે  અથવા તો આવતીકાલે ઈસ્લામાબાદ પહોંચે તેવી શક્યતા છે. વેંસની સાથે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ડોનાલ્ડ ટ્રમ્પનાં જમાઈ જેરેડ કુશનર પણ પ્રતિનિધિમંડળમાં સામેલ હશે.

ઈરાન અને અમેરિકા વચ્ચેનો યુદ્ધવિરામ 22મી એપ્રિલે સમાપ્ત થવાનો હતો અને તેને એક દિવસ લંબાવી દેવામાં આવ્યો છે. બીજીબાજુ હોર્મુઝની નાકાબંધી મુદ્દે બન્ને દેશ વચ્ચે તનાવ ફરીથી પરાકાષ્ઠાએ પહોંચેલો છે અને ગમે ત્યારે યુદ્ધની આગ ભડકી ઉઠે તેવી આશંકા છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ધમકીઓ સાથે ઈરાનને વાટાઘાટનાં મેજ ઉપર આવવા દબાણ કરી રહ્યાં છે અને બીજીબાજુ ઈરાને અમેરિકા ઉપર અવિશ્વાસ વ્યક્ત કરીને ચર્ચામાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. આ મડાગાંઠનાં કારણે હવે અમેરિકા અને ઈરાનની વાટાઘાટ મંગળવારનાં બદલે બુધવારે યોજાય તેવી સંભાવના જોવામાં આવે છે. પ્રાપ્ત થતાં અહેવાલો અનુસાર જો વાટાઘાટમાં કોઈ મોટી પ્રગતિ થાય તો અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે પણ વર્ચ્યુઅલ માધ્યમથી આમાં જોડાઈ શકે છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધને સમાપ્ત કરવાનાં રાજદ્વારી પ્રયાસોમાં હજી સુધી હકારાત્મક પરિણામો અનિશ્ચિત છે. ઈરાન તરફથી સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે કે, ધમકીનાં દબાણમાં તે કોઈ વાટાઘાટમાં સામેલ થશે નહીં. તો સામે છેડે ટ્રમ્પ ઈરાનને ધમકાવવાનું ચાલુ રાખતા કહી રહ્યાં છે કે, જ્યાં સુધી ઈરાન સાથે કોઈ સમજૂતી નહીં થાય ત્યાં સુધી ઈરાની બંદરોની નાકાબંધી યથાવત્ રહેશે. બીજીબાજુ લેબનોન અને ઈઝરાયલ વોશિંગ્ટનમાં વાટાઘાટનાં વધુ એક ચરણમાં આગળ વધવાનાં છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક