• સોમવાર, 27 એપ્રિલ, 2026

ગુજરાતના અનેક ગામોમાં મતદારોનો ચૂંટણી બહિષ્કાર : EVM ખાલીખમ !

સૌરાષ્ટ્રમાં ધ્રોલના પિપરટોડા, મહુવાના ઉમણીયાવદરમાં ચૂંટણીનો બહિષ્કાર

મહેસાણાના દેલા અને બાજીપુરામાં તથા છોટાઉદેપુરના વરધી ગામમાં તેમજ સુરતમાં પાટીદાર સગીરાની છેડતી મુદ્દે વિસનગરના બાજીપુરા ગામમાં ચૂંટણીનો બહિષ્કાર

(અમારા પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.26: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક ગામોમાં પાયાની સુવિધાઓ અને મનપામાં સમાવેશના મુદ્દે જનતાએ એકસંપ થઈને ચૂંટણીનો બહિષ્કાર કરતા લોકશાહીના પર્વમાં ક્યાંક નિરસતા તો ક્યાંક આક્રોશના દ્રશ્યો સર્જાયા હતા. જનતાએ અનેક ગામોમાં પાયાની સુવિધાઓ અને સરહદી વિવાદોને કારણે મતાધિકારનો ત્યાગ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે.  ખાસ કરીને ધ્રોલ તાલુકાના પિપરટોડા ગામના રહીશોએ રસ્તાની અસુવિધાના મામલે, ડેડીયાપાડાના દુથર ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. મહીસાગરમાં ખાતું પગીના મુવાડામાં ચૂંટણી બહિષ્કાર કરાયો હતો. ભાવનગરના મહુવાના ઉમણીયાવદર ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર જોવા મળ્યો હતો. ભદ્રોડ જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામ લોકોએ વિકાસના પ્રશ્નોને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ડાંગના આહવા તાલુકાના કોટમદર ગામે ડુબાઉ નાળાના મુદ્દે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામે પાયાની સુવિધાઓના અભાવે લોકોએ મતદાનનો વિરોધ નોંધાવ્યો હતો.  આ ઉપરાંત મહેસાણા મનપાની હદમાં નવા સમાવિષ્ટ દેલા ગામના લોકોએ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોનો વિરોધ હોવા છતાં પણ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરાતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી અંતર્ગત દેલા ગામમાં બે મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા અને સંપૂર્ણ સ્ટાફ ત્યાં તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે, એકપણ મતદાર મતદાન મથક સુધી ફરક્યો ન હતો.

ગ્રામજનોએ એકજૂથ થઈને મતદાનથી અળગાં રહેતા મતદાન મથક સૂમસામ બન્યું હતું. દેલા ગામના ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, અમારું ગામ મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કરી રહ્યું છે. આ મામલે હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો છે. તેમ છતાં, ગામને બળજબરીપૂર્વક મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં ભેળવી દેવામાં આવ્યું છે. દરમિયાન ચૂંટણી અધિકારીએ દેલા ગામમાં જઈને ગ્રામજનો સાથે મુલાકાત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, ચૂંટણી અધિકારી અને અધિકારીઓની સમજાવટ બાદ પણ ગ્રામજનો બહિષ્કારના નિર્ણય પર અડગ રહ્યા છે.

વિસનગર તાલુકાના બાજીપુરા ગામની દીકરીની સુરતમાં વિધર્મી દ્વારા છેડતી કરવામાં આવી હતી. ન્યાય મેળવવા માટે લોકો રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ન્યાય માંગવા ગયેલા લોકો પર પોલીસના દમનકારી વલણથી આખું ગામ રોષે ભરાયું છે. ગ્રામજનો હવે મક્કમ છે કે જ્યાં સુધી લાઠીચાર્જ કરનાર જવાબદાર પોલીસ કર્મીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ મતાધિકારનો ઉપયોગ કરશે નહીં.

છોટાઉદેપુરના વરધી ગામમાં શાળા બનાવવા માટે પાયા ખોદ્યાને ચાર વર્ષ થવા છતાં બાંધકામ ન થતા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી હતી. તેમ છતાં શાળા મામલે નિર્ણય નહી કરાતાં ગામ લોકોએ મતદાન ન કરવાનો નિર્ણય કર્યો હતો. નેતાઓ અને અધિકારીઓની સમજાવટ બાદ પણ ગામ લોકો અડીખમ રહ્યાં હતા. શાળાના બાંધકામ માટે અધિકારી લેખિતમાં બાંહેધરી આપે તેવી માંગણી કરી હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસાના ધોળીયા મડાસણા કંપા ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. મોબાઈલમાં ડિજિટલ આધારકાર્ડ ન ચલાવતા બહિષ્કાર કરવામા આવ્યો છે. મતદાન પ્રક્રિયા દરમિયાન 670 નંબરના બુથ પર પાલિંગ સ્ટાફ અને મતદારો સાથે રકઝક પણ થઈ હતી. ખેડા જિલ્લાના ફાગવેલ તાલુકાના ચિખલોડ ગામના મતદાન મથક પર એકપણ મતદાર ફરક્યો નહી. ચિખલોડના મતદાન મથકના ત્રણેય બૂથ પર એકપણ મતદારે મત આપ્યો નહી. ચિખલોડ ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ચિખલોડના ત્રણ બૂથના કુલ 2335 મતદારો નોંધાયેલા છે.

ઇ-પેપરના નવા શુલ્ક