રાજ્યનું મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી રહેશે, પવનની દિશામાં બદલાવ આવશે
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા. 16: છેલ્લા ઘણા સમયથી 43થી 45 ડિગ્રી સુધી
ગરમીનો સામનો કરી રહેલા ગુજરાતીઓ માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. આગામી
દિવસોમાં શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી છે. જો કે, ગરમી ઘટવાની સાથે જ લોકોએ અસહ્ય ઉકળાટ
અને બફારાનો સામનો કરવો પડશે. આજે જૂનાગઢમાં તાપમાન ત્રણ ડિગ્રી વધીને 41 ડિગ્રી સુધી
પહોંચ્યું હતું, આકરા તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ભાવનગરમાં રર કિલોમીટરની
ઝડપે પવન ફૂંકાયો હતો.
અમદાવાદ હવામાન કેન્દ્રના જાણીતા વૈજ્ઞાનિક રામાશ્રય
યાદવે જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી દિવસોમાં પવનોની દિશા બદલાવા જઈ રહી છે. પવનોની
દિશામાં થનારા આ ફેરફારને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેના લીધે લોકોને ગરમીથી
થોડી રાહત મળશે પરંતુ ઉકળાટ અને બફારો ખૂબ જ વધી જશે. આગામી દિવસોમાં રાજ્યનું મહત્તમ
તાપમાન 40થી 43 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.
નોંધનીય
છે કે આજે વિવિધ શહેરોમાં એકાદ બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન ખાતાના આંકડા
અનુસાર આજે અમદાવાદમાં 42, રાજકોટમાં 42.7 ડિગ્રી નોંધાયું હતું જ્યારે અન્ય શહેરોમાં
જોઇએ સુરેન્દ્રનગરમાં 43.2, ગાંધીનગરમાં 41.5, અમરેલીમાં 42.3, ભુજમાં 40.7, ડીસામાં
40.2, કંડલામાં 36.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગના અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું
બેસવાની પ્રબળ શક્યતા છે. આગામી 26 મે થી કેરળમાં સત્તાવાર રીતે ચોમાસાની શરૂઆત થઈ
શકે છે. કેરળમાં ચોમાસું વહેલું બેસવાના સંકેતોને પગલે ગુજરાતમાં પણ આ વર્ષે વરસાદનું
આગમન સમય કરતાં વહેલું થાય તેવી આશા સેવાઈ રહી છે.
સાયક્લોનિક
સર્ક્યુલેશન સક્રિય થતા 19મી પછી તાપમાનમાં થશે ઘટાડો
હાલમાં
એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં
પલટો જોવા મળી રહ્યો છે અને પવનોની ગતિ અને દિશા બદલાઈ રહ્યા છે. આ સિસ્ટમની અસરને
કારણે આગામી ત્રણ દિવસ પછી એટલે કે 19મે બાદ તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે, જેને પગલે
લોકોને અસહ્ય બફારા અને ગરમીથી થોડી શાંતિ મળશે.