• શુક્રવાર, 22 મે, 2026

વન નેશન, વન ઇલેક્શન : 2029થી મહામંથન થશે, 2034માં એકસાથે મતદાન !

ગુજરાતમાં JPCની ત્રણ દિવસની બેઠકો પૂર્ણ : 2027ની ચૂંટણી પાંચ વર્ષની જ રહેશે

ત્રણ દિવસીય મુલાકાતમાં રાજકીય પક્ષો, શિક્ષણ, ઉદ્યોગ અને મીડિયા જગત સાથે મેરેથોન બેઠકો; સમર્થન અને વિરોધના મિશ્ર સૂર ઉઠ્યા

અમદાવાદ તા.21

ગુજરાતમાં વન નેશન, વન ઇલેકશન મુદ્દે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની ત્રણ દિવસીય મુલાકાત પૂર્ણ થઈ છે. સમિતિએ રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષો, શિક્ષણજગત, ઉદ્યોગ ક્ષેત્ર, મીડિયા પ્રતિનિધિઓ અને સહકારી સંસ્થાઓ સાથે ચર્ચા કરી હતી. ચર્ચામાં આ પ્રસ્તાવને લઈને સમર્થન અને વિરોધ બંને પ્રકારના અભિપ્રાયો સામે આવ્યા હતા. જેપીસી અધ્યક્ષ પી.પી. ચૌધરીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાશે અને તેની ટર્મ 2032 સુધી રહેશે. જો વન નેશન, વન ઇલેકશન સંબંધિત કાયદો 2029માં અમલમાં આવશે તો ત્યારબાદ ચૂંટણી ધીમે ધીમે મર્જ થતી જશે અને વર્ષ 2034 સુધી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય તેવી શક્યતા છે. 2029 પહેલા યોજાનારી તમામ ચૂંટણીઓ પાંચ વર્ષ માટે જ રહેશે. ચર્ચા દરમિયાન કોંગ્રેસે આ પ્રસ્તાવનો વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું કે આ પ્રસ્તાવથી સત્તાનું કેન્દ્રિકરણ વધી શકે છે અને રાજ્યોના અધિકારો સીમિત થઈ શકે છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ લેખિતમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમણે દલીલ કરી કે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી યોજાશે તો સત્તાધારી પક્ષને આર્થિક નિર્ણયો લેવામાં વધુ છૂટછાટ મળી શકે છે.ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિત શિક્ષણ ક્ષેત્રના પ્રતિનિધિઓએ રજૂઆત કરી કે વારંવારની ચૂંટણીને કારણે પરીક્ષાઓ અને શૈક્ષણિક પ્રક્રિયા પ્રભાવિત થાય છે. નિરજા ગુપ્તાએ જણાવ્યું કે આચારસંહિતાના સમયમાં અનેક નિર્ણયો અટકી જાય છે અને શિક્ષકો ચૂંટણી ફરજમાં જોડાતા હોવાથી શિક્ષણકાર્યમાં વિક્ષેપ સર્જાય છે. તેમણે શિક્ષણ સેવાને ઇમરજન્સી સેવા જાહેર કરવાની પણ માંગ કરી હતી.

ઉદ્યોગ સંસ્થા ક્રેડાઇ સહિતના પ્રતિનિધિઓએ જણાવ્યું કે જો ચૂંટણી એકસાથે યોજાશે તો મોટી સંખ્યામાં કામદારો મતદાન માટે જશે, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી શકે છે. જોકે કેટલાક પ્રતિનિધિઓએ એવું પણ કહ્યું કે વારંવારની ચૂંટણીથી અર્થતંત્રમાં ગતિ રહે છે અને વેપાર-ધંધાને ફાયદો થાય છે. મીડિયા ક્ષેત્રના પ્રતિનિધિઓએ રજૂઆત કરી કે અલગ અલગ સમયે ચૂંટણી યોજાતી હોવાથી સ્થાનિક મુદ્દાઓને વધુ પ્રાથમિકતા મળે છે. જ્યારે એકસાથે ચૂંટણીથી રાષ્ટ્રીય મુદ્દાઓ હાવી થઈ શકે છે અને સ્થાનિક પ્રશ્નો પાછળ ધકેલાઈ શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક