• ગુરુવાર, 28 મે, 2026

સિંહબાળના મૃત્યુ અંગેની તલસ્પર્શી વિગતો મેળવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

4 સિંહબાળના મૃત્યુ, 17 સિંહને આઈસોલેટ કરાયા

રાજકોટ, તા. ર7: ગિર જંગલ વિસ્તારમાં સિંહ બાળના મૃત્યુની ઘટનાઓ સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંજ્ઞાન લીધું હતું. તેમણે આ સંદર્ભની તમામ તલસ્પર્શી વિગતો ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મેળવી હતી.

ત્યારે આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વન પર્યાવરણ અગ્ર સચિવ ડો. વિનોદ રાવે માહિતી આપતા જણાવ્યું હતું કે 4 સિંહ બાળના મૃત્યુ જુદા જુદા વિસ્તારોમાં થયા છે અને આ વિસ્તારના કુલ 17 જેટલા સિંહોને આઇસોલેટ કરીને તેની કાળજી લેવામાં આવી રહી છે.

ગીર ગઢડા અને બાબરિયા વિસ્તારના 10 કિ.મી.ની ત્રિજ્યામાં રહેલા તમામ સિંહોનું સઘન મોનીટરીંગ કરવામાં આવી રહેલ છે અને તેમનામાં કોઇ અન્ય બિમારીના લક્ષણો જણાઇ આવ્યા નથી. અમરેલી અને ભાવનગર જિલ્લાના મહેસુલી વિસ્તારમાં તમામ સિંહોનું સઘન નિરિક્ષણ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહેલ છે અને તેનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં  આવે છે. ઉનાળાની શરૂઆતમાં જોવા મળતી આવી સીઝનલ બીમારી સામે સલામતીના ભાગ રૂપે ગિર વિસ્તારના 350થી વધુ સિંહોના ડી ટીકીંગ અને અન્ય આરોગ્યલક્ષી પગલાઓની કામગીરી હાથ ધરવામાં આવી છે તેની વિગતો પણ આ બેઠકમાં મુખ્યમંત્રીને આપવામાં આવી હતી. આ કામગીરીમાં જૂનાગઢ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબિબો પણ જોડાયા છે તેમ અગ્ર મુખ્ય વન સંરક્ષક જયપાલ સિંહે જણાવ્યું હતું.

 મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર,અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે,હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ જયપાલાસિંઘ અને મુખ્યમંત્રીના સચિવ ડો.અજયકુમાર આ બેઠકમાં જોડાયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક