સુરેન્દ્રનગર શહેરમાં બે ઇંચ વરસાદમાં પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી
સુરેન્દ્રનગર,
તા.24: સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં છેલ્લા
24 કલાક દરમિયાન જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ લખતર તાલુકામાં
7 ઇંચ અને પાટડી તાલુકામાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત વઢવાણ અને લીંબડી તાલુકામાં
આશરે 2 ઇંચ જ્યારે થાનગઢ, ચોટીલા, સાયલા સહિતના તાલુકાઓમાં પણ સારો વરસાદ વરસતા ખેડૂતોમાં
ખુશીની લહેર ફરી વળી છે.
છેલ્લા
કેટલાક દિવસોથી વરસાદના અભાવે ખેડૂતોના પાક સુકાવાની કગાર પર પહોંચી ગયા હતા અને વાવેતર
નિષ્ફળ જવાની ભીતિ સર્જાઈ હતી. જોકે હવે વરસાદ વરસતા વાવેતરને જીવતદાન મળ્યું છે અને
જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં ખેડૂતોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભારે
વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે.
શહેરના રાજ હોટલ નજીક આવેલા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. તંત્રને
જાણ થતાં અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા અને પાણી કાઢવાની કામગીરી હાથ ધરી હતી.
પ્રથમ
જ વરસાદમાં શહેરની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી હોવાનું જોવા મળ્યું છે.
કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા નાગરિકોને ભારે હાલાકીનો
સામનો કરવો પડયો હતો. રતનપર વિસ્તારની અનેક સોસાયટીઓ, અજરામ ટાવર ચોક, કલેક્ટર કચેરી
પરિસર, મહાનગરપાલિકા કચેરી, વઢવાણ, જોરાવરનગર તેમજ નવી વસાહતોમાં પાણી ભરાઈ ગયા હતા.
ઉપરાંત 80 ફૂટ રોડ પર પણ વરસાદી પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. મહાનગરપાલિકાને
શહેરમાંથી પાણી ભરાવાની અનેક ફરિયાદો મળી હતી.
ઓળખ
ગામે 27 લોકોનું રેસ્ક્યૂ
લખતર
તાલુકામાં ભારે વરસાદને કારણે અનેક નીચાણવાળા ગામોમાં પાણી ફરી વળ્યાં છે. લખતરના ઓળખ
ગામમાં 27 જેટલા લોકોને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે
ખસેડવામાં આવ્યા છે. લીંબડી તાલુકામાં પણ સતત વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં
પાણી ભરાઈ ગયા છે. કેટલાક ગામોમાં પાળા તૂટી જતાં વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી ગયા છે,
જેના કારણે ખેડૂતોને નુકસાનની ચિંતા સતાવી રહી છે.