• ગુરુવાર, 30 જુલાઈ, 2026

એન્ટી પેપર લીક બિલ લોકસભામાં પાસ

કોકરોચ જનતા પાર્ટીનાં આંદોલનમાં પેલેટ ગન ચલાવવામાં આવી જ નહોતી તો આદેશનો સવાલ જ ક્યાં આવે? : જીતેન્દ્ર સિંહનો રાહુલને જવાબ

 નવી દિલ્હી, તા.29: લાંબા સમય સુધી ચાલેલા છાત્રોનાં વિરોધ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં અને વિપક્ષનાં ભારે હંગામા વચ્ચે એન્ટી પેપર લીક બિલ આજે લોકસભામાં ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યું હતું. આ ખરડો પસાર થઈ ગયા બાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. હવે આ વિધેયકને રાજ્યસભામાં પેશ કરવામાં આવશે. પરીક્ષાનાં પેપર ફોડવાનાં અપરાધમાં કઠોર જોગવાઈઓ કરતાં આ વિધેયકની ચર્ચા દરમિયાન લોકસભામાં વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીએ છાત્રોનાં આંદોલન મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરતાં ગૃહમંત્રી અમિત શાહ ઉપર પેલેટ ગન સહિતનાં બળપ્રયોગનાં આદેશ આપવાનો આરોપ લગાવ્યા હતાં. તો બીજીબાજુ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે, કોકરોચ જનતા પાર્ટીનાં આંદોલનમાં પેલેટ ગન ચલાવવામાં આવી જ નહોતી. તેમણે વિપક્ષનાં નેતા રાહુલ ગાંધીનાં આરોપોને ખારિજ કરી નાખ્યા હતાં.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં બિલ રજૂ કરતાં કહ્યું હતું કે, આ મહત્વપૂર્ણ બિલ પર ચર્ચા કરીને રચનાત્મક સૂચનો આપવાના બદલે વિપક્ષ રાજકારણ કરી રહ્યો છે. વિપક્ષનું વર્તન અત્યંત નિરાશાજનક છે. વિપક્ષના નેતાએ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો, તે માત્ર અસંસદીય જ નહોતો, પરંતુ એટલો અયોગ્ય હતો કે હું તેને ફરીથી દોહરાવા પણ ઇચ્છતો નથી. જો કોઈ પોતાને શિક્ષિત અને સંસદીય પરંપરાઓથી પરિચિત માનતું હોય, તો તેને ખબર હોવી જોઈએ કે ગૃહની અંદર આવી ભાષાનો ઉપયોગ કરી શકાય નહીં.

તેમણે આગળ કહ્યું હતું કે વિપક્ષના નેતા દ્વારા દેશના યુવાનોને ‘મૂર્ખ’ કહેવું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘આ દેશના યુવાનો, જે દેશનું ભવિષ્ય છે, તેમને ‘મૂર્ખ’ કહેવા કરતાં વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે? મને આશ્ચર્ય થાય છે કે શું તેમને સંસદીય કાર્યવાહી સંબંધિત મૂળભૂત નિયમો અને મર્યાદાઓની પણ જાણકારી છે.

કેન્દ્રીય મંત્રીએ 21 જુલાઈની ઘટનાનો ઉલ્લેખ કરતાં વિપક્ષના નેતા પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું, 21 જુલાઈએ વિપક્ષના નેતા કદાચ કોઈ ખાસ વિચારસરણીને કારણે વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર જઈને બેસી ગયા હતા. એવું લાગતું હતું કે તેમની પ્રબળ ઈચ્છા હતી કે દેશ તેમને પસંદ કરે અને ત્યાં બેસાડે. જ્યારે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ નહીં, ત્યારે તેઓ નિરાશ થઈને ત્યાંના ગેટ પાસે જઈને બેસી ગયા. જ્યારે તેમને નમ્રતાથી સમજાવવામાં આવ્યું કે આવું વર્તન તેમના હોદ્દા અને પ્રતિષ્ઠાને અનુરૂપ નથી, ત્યારે તેમણે કહ્યું કે તેમને માત્ર ત્યાંથી હટાવી દેવામાં આવે.

ગૃહમાં ઉઠાવવામાં આવેલા અન્ય એક મુદ્દાનો જવાબ આપતાં જિતેન્દ્ર સિંહે કહ્યું કે જે ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેમાં ગોળીબાર કરવામાં આવ્યો નહોતો, પરંતુ માત્ર આંસુ ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, વારંવાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈ ગોળી ફૂટી નહોતી. ત્યારે ગોળી ચલાવવાનો આદેશ આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આવો આદેશ આપવાનો અધિકાર મંત્રી પાસે નહીં, પરંતુ મેજિસ્ટ્રેટ પાસે હોય છે.

ઇ-પેપરના નવા શુલ્ક